ખાંભા-જાફરાબાદ જળબંબાકાર: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયા-શોધખોળ શરૂ: તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું: ધંધૂકામાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, શેત્રુંજીના 20 દરવાજા ખોલાયા
ધાતરવડી નદીમાં પૂર આવતા નીચાણવાળા ગામોમાં ભય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનની અસરરૂપે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભા અને જાફરાબાદ તાલુકામાં વહેલી સવાર સુધી ઘોઘમાર વરસાદ ખાબકતા નદીઓમાં પૂર આવ્યા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં ભારે વરસાદના કારણે ગામની નદીમાં પૂર આવતા એક આધેડ તણાયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ જાફરાબાદ મામલતદાર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ગઉછઋ) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગઉછઋ ટીમ દ્વારા નદીના પાણીમાં તણાયેલા આધેડની શોધખોળ માટે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
ખાંભાના ગ્રામ્ય પંથકમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ભારે વરસાદ પડતા તાતણિયા સહિતના ગામોમાં પાણી ભરાયા છે. તાતણિયા ગામની નદીમાં જોરદાર પૂર આવતા નદીના પાણી ગામ તરફ વળ્યા હતા. પૂરના પાણી સીધા ખોડિયાર મંદિરના પરિસરમાં ઘૂસી ગયા હતા. ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે જનજીવન પર અસર પડી છે.
- Advertisement -
ખાંભા ગીર પંથકમાં અવિરત વરસાદના પગલે ધાતરવડી નદીમાં પણ પૂર આવ્યું છે. નદી બે કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારો અને ગીરના ગામડાઓમાં રહેતા લોકોમાં પૂરના પાણી ઘૂસવાનો ભય ફેલાયો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
આજે અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, આણંદ, ભરૂચ અને સુરતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે અરબસાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડી ગયું છે, પણ આગામી 24 કલાક તેની અસર જોવા મળશે. આવતીકાલ સુધીમાં વોલમાર્ક ડિપ્રેશનની અસર નહિવત થશે, જેથી આગામી થોડા દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે. બંદર ઉપર કઈ3 સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.
આજે (1 નવેમ્બર) બપોરના 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરના હાટકેશ્ર્વર, ભાઈપુર, દૂધેશ્ર્વર રોડ, દિલ્લી દરવાજા સહિતના વિસ્તારમાં ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બે કલાકમાં ધંધૂકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મોડીરાતે રાજકોટ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ખાબકેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરેયાલે જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ નદીઓ પણ ચોમાસાની માફક વહેલી થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં (ગઈકાલ સવારના 6થી આજે સવારના 6 વાગ્યા સુધી) 141 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3.46 ઈંચ તો સૌથી ઓછો અરવલ્લીના બાયડમાં 1 મિમી વરસાદ નોંધાયો છે.



