12 હજાર લોકોને બચાવાયા: પુણેના તમહિનીમાં આ ચોમાસામાં દેશનો સૌથી વધુ વરસાદ પડ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 10 લોકોના મોત થયા છે. જેમાં નાસિક જિલ્લામાં ચાર, ધારાશિવ અને અહિલ્યાનગરમાં બે-બે અને જાલના અને યવતમાલમાં એક-એક વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી 11,800થી વધુ લોકોને બચાવવામાં આવ્યા હતા. મરાઠવાડા ક્ષેત્રના છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, લાતુર, નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શનિવાર રાતથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
નાસિકમાં ગોદાવરી નદી ભયજનક નિશાનને પાર થઈ ગઈ છે. શહેરના નદી કિનારે આવેલા રામકુંડ વિસ્તારમાં અનેક મંદિરો ડૂબી ગયા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ગઉછઋની સોળ ટીમો તહેનાત કરવામાં આવી છે. પુણેમાં બે ટીમો સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
પુણે જિલ્લાના મુલશી તાલુકામાં આવેલા મનોહર તમહિની ઘાટમાં આ ચોમાસાની ઋતુમાં 9,000 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જે આ વર્ષે ભારતનું સૌથી વધુ વરસાદવાળું સ્થળ બન્યું છે. અત્યાર સુધી, ઉત્તરપૂર્વીય રાજ્ય મેઘાલયના ચેરાપુંજી અને માવસિનરામ ગામોમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.
30 સપ્ટેમ્બરથી છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે. જાંજગીર-ચંપા, બાલોદ, બસ્તર, ગારિયાબંધ અને રાયગઢ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા અને વાવાઝોડાની પણ શક્યતા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હવામાન સામાન્ય રહેવાની ધારણા છે.
ચોમાસાની ઋતુ પૂરી થયા પછી પણ રાજસ્થાનમાં વરસાદ ચાલુ છે. સોમવારે 19 જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 2 ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન, જયપુર, અજમેર, ભરતપુર, કોટા અને ઉદયપુર વિભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, સાથે જ ઘણી જગ્યાએ ભારે પવન અને હળવો વરસાદ પણ પડી શકે છે.
મધ્યપ્રદેશમાં ભારે અને હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યભરમાં હળવા વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. સોમવારે ભોપાલ, ઇન્દોર અને જબલપુર સહિત અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. રવિવારે ધારના મનાવર અને બરવાનીના સેંધવામાં ભારે વરસાદ પડ્યો હતો. નર્મદાપુરમ જિલ્લામાં તવા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા.