વહેલી સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ, ન્યારી ડેમ-2નો 1 દરવાજો અડધો ફૂટ ખોલાતાં હેઠવાસનાં ગામોને એલર્ટ કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.
- Advertisement -
જેમાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાનામૌવા રોડ અને 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીને લઈ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રામનાથપરા અને પોપટપરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારી હોવાથી તેનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નદીના પટમાં આવતા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ઉપરવાસમાં વરસેલા સારા વરસાદને કારણે રાજકોટ જિલ્લાના ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે.
જેમાં છાપરવાડી-2 ડેમમાં 2.62 ફૂટ, વાછપરી ડેમમાં 2 ફૂટ, વેરી ડેમમાં 1.67 ફૂટ, મોતીસર ડેમમાં 0.98 ફૂટ, આજી-2 ડેમમાં 0.82 ફૂટ, ભાદર ડેમમાં 0.56 ફૂટ, ભાદર-2 અને માલગઢ ડેમમાં 0.49 ફૂટ, ન્યારી-1, ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટ સહિતના ડેમોમાં નવા નીરની આવક થઇ છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ ન્યારી-2 ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે ઓવરફ્વો થવાની તૈયારીમાં હોવાથી એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.