ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો સંભવિત ખતરો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં સંભવિત ’શક્તિ’ વાવાઝોડું ગુજરાત સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે માંગરોળ, વેરાવળ અને દીવ પર અસર કરે તેવી સંભાવના છે.
તારીખ 7 અને 8 ઓક્ટોબરના રોજ માંગરોળથી દીવના પટ્ટા પર ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. દીવનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
- Advertisement -
ઉનાના નવાબંદર, સૈયદ રાજપરા, માંગરોળ સહિતના તમામ દરિયાકાંઠાઓ પરથી જે બોટ દરિયામાં ગયેલી હતી, તેમાંથી મોટા ભાગની બોટ કાંઠે પરત આવી રહી છે. હજુ પણ જે બોટ દરિયામાં છે તેને તાત્કાલિક પરત લાવવા માટે ફિશરીઝ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સત્તાધીશોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સાંજ સુધીમાં મોટા ભાગની બોટ સુરક્ષિત રીતે કાંઠે પરત આવી જશે. વહીવટી તંત્ર, ફિશરીઝ વિભાગ અને સ્થાનિક માછીમાર આગેવાનો સતત સંકલનમાં રહીને માછીમારોને દરિયો ન ખેડવા અને વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતગાર કરી રહ્યા છે. સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.