સોરઠ પંથકમાં મોસમે મિજાજ બદલ્યો, ખેડૂતો પર માઠી અસર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
- Advertisement -
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાતા મોસમના મિજાજે ખેડૂતો પર માઠી અસર જોવા મળી છે. આજ સવારથી જૂનાગઢ અને ગીર સોમનાથમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પડતા કેસર કેરીના પાકને નુકશાન થયું છે અને કેરીઓ ઝાડ પરથી ખરી જવાના લીધે ઈજારેદાર અને ખેડૂતોને મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો છે. જયારે હજુ આવતીકાલ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાના હવામાન વિભાગે આગાહી કરી છે.
જૂનાગઢ જિલ્લા કમોસમી વરસાદના લીધે અનેક જગ્યા પર વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જયારે મેંદરડા પંથકમાં વરસાદી ઝાપટા પડતા કેસર કેરીનું હબ ગણાતા ત્યાં પણ નુકશાની જોવા મળી રહી છે જયારે આજે ગિરનાર પર્વત પર તેજ પવન સાથે મીની આંધી આવી હતી અને જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. જો કે હજુ આવતીકાલ સુધી વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા પણ ખેડૂતોને જણસ સહી સલામત જગ્યા પર રાખવા અનુરોધ કર્યો છે બીજી તરફ માર્કેટિંગ યાર્ડ દ્વારા કેસર કેરી લાવતા ખેડૂતોને ગઈકાલ સુધી ન લાવવા અનુરોધ કર્યો છે. આમ મોસમનો મિજાજ બદલતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી છે. જયારે તેજ પવન સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થતા 6 ડિગ્રી તાપમાન ઘટતા લોકોને ગરમી રાહત મળી છે. હાલ પણ સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. અને હજુ જોરદાર વરસાદી ઝાપટા પડે તેવો માહોલ જોવા મળી
રહ્યો છે.