દિવાળીની રજાઓમાં વતન જવા લોકોની દોટ
આદિવાસી અને પરપ્રાંતીય શ્રમિકોની અવરજવર વધતા એસટી વિભાગ દ્વારા પંચમહાલ અને દાહોદ રૂટ પર 5 વધારાની બસ મૂકાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા માટે લોકોએ વતન તરફ દોટ મૂકી છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતોની મોરબી તરફ અવરજવર વધી છે, તો મોરબીમાં વસતા લોકો તેમના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે.
આ ઉપરાંત, મોરબીની ફેક્ટરીઓ અને ખેતરોમાં મજૂરી કરતા આદિવાસી જિલ્લાના તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના શ્રમિકો પણ પોતાના વતન તરફ જઈ રહ્યા છે, જેના કારણે મોરબી બસ સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લાંબા રૂટની બસોમાં મુસાફરોનો ધસારો વધ્યો છે.
દર વર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી રહી છે. હાલમાં એસટી ડેપોએ 5 વધારાની બસ પંચમહાલ અને દાહોદ જિલ્લાના રૂટ પર મૂકી છે. આ બસોની ટ્રીપ ત્યાંથી નવસારી, સુરત અને વાપી સુધી લંબાવવામાં આવી છે, જેથી મોરબીના વતનીઓ કોઈ મુશ્કેલી વિના આવી શકે.
તહેવારને પગલે ભીડ વધતા હાલ મોરબી એસટી ડેપોની દૈનિક આવક રૂ. 4 લાખ થઈ રહી છે. મોરબી એસટી ડેપોની કુલ 289 ટ્રીપ છે, જેમાંથી 16 એક્સપ્રેસ રૂટમાં દોડી રહી છે.