-કાળઝાળ ગરમીને પગલે પશ્ચિમ બંગાળ બાદ વધુ બે રાજયોનું એલાન
ભારતના મોટાભાગના વિસ્તારો કાળઝાળ ગરમીની લપેટમાં આવી ગયા છે ત્યારે પશ્ચિમ બંગાળ બાદ મહારાષ્ટ્ર તથા ઓડિશાએ પણ આકરા ઉનાળામાં બાળકોને પ્રભાવિત થતા બચાવવા શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં અસામાન્ય વધારાને પગલે હીટવેવની હાલત સર્જાઈ છે
- Advertisement -
તેને પગલે રાજય સરકારે મહારાષ્ટ્ર શિક્ષણબોર્ડ હેઠળ આવતી તમામ શાળાઓમાં આજથી રજા જાહેર કરી છે. અન્ય બોર્ડમાં સામેલ શાળાઓને અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ રજા જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે. વિદર્ભ સિવાય રાજયભરમાં હવે 15મી જુનથી સ્કુલો ખોલવા કહેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર ઉપરાંત ઓડિશાએ પણ હિટવેવની હાલતથી શાળાઓમાં ઉનાળુ વેકેશન આજથી જ શરુ કરી દેવાનું એલાન કર્યુ છે. સરકારી તથા ખાનગી સ્કુલોને પણ આદેશ લાગુ કરાયો છે. સામાન્ય રીતે રાજયમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયાથી ઉનાળુ વેકેશન પડતુ હોય છે. રાજયના બારીપાડામાં તાપમાનનો પારો 44.5 ડીગ્રીએ પહોંચ્યો હતો. આ પુર્વે પશ્ચિમ બંગાળમાં પણ કાળઝાળ ગરમીની સ્થિતિને ધ્યાને રાખીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હોવાનું ઉલ્લેખનીય છે. વિદ્યાર્થીઓને આકરી ગરમીથી બચાવવા રાજયો નિર્ણય લઈ રહ્યા છે.