દિલ્હી, ઉ. પ્રદેશ, બિહાર, હરિયાણા, મ. પ્રદેશ, રાજસ્થાનમાં ગરમીનો કેર
ખાસ-ખબર સંવાદદાતા
દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીની ભારે અસર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત મોટાભાગના રાજ્યોમાં હીટવેવ ચાલી રહી છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જતો રહ્યો છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જ્યારે લખનઉમાં તાપમાન 43 ડિગ્રી રહ્યું હતું.
- Advertisement -
જ્યારે બિહારની રાજધાની પટણાનું તાપમાન 44 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. છત્તીસગઢમાં પણ ભારે ગરમીને કારણે સ્કૂલોનું ઉનાળુ વેકેશન સરકારે 26મી જુન સુધી લંબાવી દીધુ છે. રાજ્યમાં હીટવેવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ ઉનાળુ વેકેશન 16મી જુને પુરુ થવાનું હતું, જેમાં હવે 10 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભુપેશ બઘેલે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલા લેવા સંબંધીત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા. છત્તીસગઢની સાથે જ ઝારખંડમાં પણ હીટવેવને ધ્યાનમાં રાખીને સ્કૂલોનું ઉનાળાનું વેકેશન ત્રણ દિવસ લંબાવી દીધુ છે. એક તરફ ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળમાં વરસાદ અને હીટવેવ બન્નેની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કોલકાતામાં તાપમાન વધારે રહેશે, જોકે કેટલાક અંતરીયાળ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ પણ છે.
ઉત્તર બંગાળમાં દાર્જિલિંગ, કૂચ બિહાર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ હવામાન વિભાગે ચોમાસાને લઇને પણ આગાહી કરી છે. આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું હતું કે 18મી તારીખ પછી ચોમાસુ પહેલા કરતા વધુ ઝડપથી આગળ વધશે. રિસર્ચ મુજબ કેરળમાં ચોમાસાનું આગમન મોડુ થયું છે તેનો અર્થ એમ નથી કે ઉત્તર ભારતમાં પણ ચોમાસુ ધારણા કરતા મોડુ શરૂ થશે. સામાન્ય રીતે અલ નિનોની અસરને કારણે પણ ચોમાસામાં મોડુ થતું હોય છે.