ગંદકીના લીધે સ્થાનિક રહીશોના ઘેર – ઘેર મંદવાડ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
- Advertisement -
દેશના વડાપ્રધાનનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂર્ણ થવા માટે સરકારી તંત્રની મુખ્ય ભૂમિકા હોવી જરૂરી છે પરંતુ સરકારી તંત્ર જ ક્યાંકને ક્યાંક સ્વચ્છતા અંગે બેદરકાર સાબિત થઈ રહ્યું છે જ્યારે હાલ વરસાદની સીઝનમાં ઠેર ઠેર ભરાતા વરસાદી પાણીના લીધે પણ ગંદકીનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે સ્વચ્છતા અંગે સાવ નિષ્ક્રિય તંત્રની વધુ એક પોલ ખોલતો કિસ્સો ધ્રાંગધ્રા ગ્રામ્યના વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે પ્રવેશદ્વારમાં જ કચરો અને ઉકરડાનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે. વરસાદના લીધે ગામના પ્રવેશદ્વાર નજીક ખાડામાં પાણી ભરાઈ રહે છે જેના લીધે અહી કાદવ કીચડનું સામ્રાજ્ય જામે છે. વળી કાદવ અને કીચડ હોવાથી કચરો અને ઉકરડો પણ થતાં ગંદકી ફેલાય છે.
જેના લીધે સ્થાનિક અને પ્રવેશદ્વાર નજીક રહેતા રહીશોના બાળકો પણ બીમાર પડતાં હોવાની રાવ ઉઠવા પામી છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની સ્થિતિને લઇ અહીંના સ્થાનિકો પીડાય છે. જે બાબતે અનેક વખત પંચાયત ખાતે રજૂઆત કરાઈ છે. પરંતુ પથુગઢ ગામ તાલુકા પંચાયતના વહીવટી તાબા હેઠળ હોવાથી ગ્રામજનોનું કોઈ સાંભળતું નહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. તેવામાં ગ્રામજનોની એવી પણ ફરિયાદ છે કે સરકાર દ્વારા આપવામાં આવેલા કચરો ઉઘરાવતા વાહનનો પણ આજદિન સુધી લાભ મળ્યો નથી પરંતુ સરકારી ચોપડે આ પ્રકારના વાહનો ગામને ફાળવી આપ્યા હોવાનું જણાવાય છે તેવામાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચલાવી મોટી મોટી વાતો કરતું તંત્ર ખરેખર પથુગઢ ગામે સ્વચ્છતા પ્રત્યે બેદરકાર હોવાનું નજરે પડી રહ્યું છે.