ઘરમાં આગ લાગ્યા બાદ મામલો સામે આવ્યો, કોલેજિયમે ટ્રાન્સફરની ભલામણ કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મોટી રકમ રોકડ મળી આવ્યા બાદ તેમના ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
હોળીની રજા દરમિયાન દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. તે ઘરે નહોતા. પરિવારના સભ્યોએ પોલીસ અને ઇમરજન્સી સેવાઓને ફોન કરીને આગ વિશે જાણ કરી.
જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘરમાં લાગેલી આગ ઓલવવા ગઈ ત્યારે તેમને મોટી રકમ રોકડ મળી આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને રોકડ રકમ વિશે ખબર પડી, ત્યારે પાંચ સભ્યોના કોલેજિયમે તેમની ટ્રાન્સફર કરી દીધી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ઈઉંઈં જસ્ટિસ સંજીવ ખન્નાને આ બાબતની જાણ થઈ, ત્યારે તેમણે કોલેજિયમની તાત્કાલિક બેઠક બોલાવી. આંતરિક તપાસનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રાન્સફર સંબંધિત દરખાસ્ત જાણી જોઈને અપલોડ કરવામાં આવી નથી.
રાજ્યસભામાં આ મામલો ઉઠાવવામાં આવ્યો. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો અને ન્યાયિક જવાબદારી પર ચર્ચાની માગ કરી. આનો જવાબ આપતા રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારી જરૂરી છે અને તેઓ આ મુદ્દા પર એક માળખાગત ચર્ચા કરશે.