બેટ-દ્વારકા મંદિર પરિસરમાં પડેલી ઢગલાબંધ ઈંટોને હટાવી લેવામાં આવી
કોન્ટ્રાકટરના મજૂરોએ જણાવ્યું કે, મુખ્ય ઈજનેર સંઘવીએ આ ઈંટો વાપરવાની મનાઈ કરી દીધી છે
- Advertisement -
બુધાભા ભાટી દ્વારા બેટ-દ્વારકાથી યાત્રાધામ બેટ-દ્વારકા મંદિર પ્રવેશ દ્વારનાં નિમોણ કાયેમાં નિમ્ન કક્ષાનાં મટીરીયલ વપરાતો હોવાનો અહેવાલ ‘ખાસ ખબર’માં પ્રસિદ્ધ થતાં તાત્કાલીક ધોરણે કામ બંધ કરી દેવામાં આવ્યું છે. નિર્માણ કાર્યમાં જે હલકી કક્ષાની ફલાય એશની ઈંટોને વપરાતી હતી તેને રાતોરાત ગાયબ કરી દેવામાં આવી છે.
આ અંગે ખાસ-ખબરના પ્રતિનિધિ બુધાભા ભાટીએ બેટ દ્વારકા મંદિર પરિસરની મુલાકાત લેતા તમામ ફલાય એશની ઈંટો ત્યાંથી ગાયબ થઈ હતી. ત્યાં કોન્ટ્રાકટરના મજૂરોને પુછતા જાણવા મળ્યું કે, કે આ કામનાં મુખ્ય ઈજનેર સંઘવીએ આ ઈંટો વાપરવાની મનાઈ કરી છે!
વર્ષ 2001થી મંદિરનું કામ ચાલુ છે અને દેવસ્થાન સમિતિના દિનેશ બદિયાણી સવારથી સાંજ સુધી કામ ઉપર હાજર જ હોય છે. ત્યારે પ્રશ્ન એ થાય કે ગામનાં આગેવાનોને કામમાં ભ્રષ્ટાચાર કે ગોબાચારી દેખાયો તો પછી ફરજ પર હાજર રહેલા ચબરાક અને ચતુર એવા દિનેશભાઈને કેમ ન દેખાઈ?
- Advertisement -
સ્થાનિક ચાર ટ્રસ્ટીઓનું મૌન શું સુચવે છે?
છેલ્લા ઘણા સમયથી બેટ-દ્વારકાના મંદિરની અંદર-બહાર અનેક સમસ્યાઓ છે. ઉપરાંત અરબો ખરબોનાં હીરા ઝવેરાત અમદાવાદના લોકરમાં વર્ષોથી ધૂળ ખાય છે ત્યારે ધાર્મિક સનાતની હિન્દુ એવા ચાર ટ્રસ્ટીઓ હેમુભા વાઢેર, ધનજી પટેલ,ભાઈલાલ સોની અને પ્રમોદ ભટ્ટનાં પેટનું પાણી હલ્યું નથી! ખાસ ખબર અને અન્ય સમાચાર માધ્યમોમાં બેટ મંદિરનાં સમાચારો આવે છે અને મંદિરમાં થતાં ગેર વહીવટ અને અવ્યવસ્થા ઉપરાંત યાત્રિકોની પરેશાનીઓની વિગતો આવે છે ત્યારે સ્થાનિક ચાર ટ્રસ્ટીઓ કેમ મૌન જ રહે છે?
‘ખાસ-ખબર’નો આભાર માનતા બેટ-દ્વારકા ધર્મ રક્ષા સમિતિ
હલકી ગુણવત્તાની માત્ર 25 રૂપિયાની ઈંટોથી પ્રવેશ દ્વાર બની રહ્યો હતો. તેની જાણ થતા ખાસ ખબરે પણ નૈતિક ફરજ સમજી દેવસ્થાન સમિતિ વિરુદ્ધ એક મોરચો ખોલ્યો હતો જે સફળ થયો છે. ત્યારે બેટ-દ્વારકા ધર્મ રક્ષા સમિતિના પ્રમુખ અજયભાઈ રાઠોડ, બેઠકનાં મુખિયાજી અતુલભાઈ ભટ્ટ, બ્રહ્મ સમાજ પ્રમુખ તરૂણભાઈ પાઠક અને ગામનાં આગેવાનો, બ્રાહ્મણો અને વેપારીઓએ ખાસ ખબરનો આભાર વ્યકત કર્યો છે.