જૂનાગઢમાં જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાનો બેફામ ભ્રષ્ટાચાર
અગાઉ સ્થગિત થઈ ગયેલો બાલસખા યોજનાનો કોન્ટ્રાક્ટ ડૉ. રતનપરા સાથે ફરી શરૂ કર્યો
- Advertisement -
શ્રીજી બેબીકેરની ઈમારત તોડી પાડવા નોટિસ અપાઈ છે છતાં તેની સાથે MoU
જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી શિલ્પા એસ. જાવિયાએ સત્તાનો દુરુપયોગ કરી કોર્ટ દ્વારા પ્રતિબંધિત ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલને બાલસખા યોજના હેઠળ એમ.ઓ.યુ. કરી દીધા છે. જેના અગાઉ એમ.ઓ.યુ. સ્થગિત થયેલા છે તેવી ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલ પાસેથી લાંચ લઈ ફરીથી બાલસખા-3 હેઠળ એમ.ઓ.યુ. કરી દેવામાં આવતા એક જાગૃત નાગરિક દ્વારા સંબંધિત ઉચ્ચ વિભાગ-અધિકારીને રાજ્ય કક્ષાએ કરવામાં આવી છે. બનાવની વિગત મુજબ તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પંચાયતમાં નિમણુક પામેલા વિવાદિત જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા દ્વારા ભયંકર ભ્રષ્ટાચાર કરીને ભૂતકાળમાં સ્થગિત કરાયેલા એમ.ઓ.યુ.ને ફરી શરૂ કરી દીધા છે. જે હોસ્પિટલને નામદાર કોર્ટ દ્વારા સીલ કરવાનો હુકમ કરવામાં આવેલો છે અને જે હોસ્પિટલના તત્કાલીન મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા જેતે સમયે એમ.ઓ.યુ. સ્થગિત કરવામાં આવેલા છે તે ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલ સાથે ફરીથી એમ.એ.યુ. શરૂ કરીને બાલસખા યોજના શરૂ કરવામાં આવી છે. આ મામલે શિલ્પા જાવિયાએ બેબીકેર હોસ્પિટલના ડો. જયચંદ્ર રતનપરા પાસેથી મસમોટી લાંચ લીધા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.
શિલ્પા જાવિયાનો ભૂતકાળ ભયંકર ભ્રષ્ટાચારથી ખરડાયેલો
આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા ઉપર ભૂતકાળમાં ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો થયેલા છે. તેમની સામે એક કરતાં વધુ વખત ખાતાકીય તપાસ થયેલી છે તેમજ એક કરતાં વધુ વખત સજામાં બદલી પણ કરવામાં આવેલ છે. શિલ્પા જાવિયાના ભ્રષ્ટ આચરણના લીધે તેમની પર કડક કાર્યવાહી થયેલી હોવા છતાં તેમને મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે નિમણૂંક આપી દેતા અન્ય આરોગ્ય અધિકારી અને આરોગ્ય કર્મચારીમાં અત્યંત અસંતોષની લાગણી પ્રવર્તી ગઈ છે.
- Advertisement -
આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાની નિમણૂંક પણ ગેરકાયદે
જૂનાગઢમાં હાલ આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા શિલ્પા જાવિયાની નિમણૂંક પણ ગેરકાયદે થઈ છે. આ અંગેની પણ એક અરજી કેટલાક જાગૃત નાગરિકો દ્વારા સંબંધિત ઊચ્ચ વિભાગ-અધિકારીને કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે, વર્ગ-1 આરોગ્ય અધિકારીનો ચાર્જ નિયમ વિરૂદ્ધ વર્ગ-2ના અધિકારીને સોંપાયેલો છે. છેલ્લા ઘણાં સમયથી જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી (વર્ગ-1)ની જગ્યા ખાલી પડી છે જે તા. 01-12-2022થી એલોપેથીક ડીસ્પેન્સરી ચંદવાણા ખાતે કાર્યરત વર્ગ-2નાં મહિલા તબીબી અધિકારી ડો. શિલ્પા. એસ. જાવિયાને આપવામાં આવેલો છે. જિલ્લા પંચાયત જૂનાગઢ આરોગ્ય વિભાગ ખાતે હાલ બે પૂર્ણકાલીન વર્ગ-1નાં અધિકારીની જગ્યા ભરાયેલી છે આમ છતાં નિયમ વિરૂદ્ધ ખૂબ દૂર ડીસ્પેન્સરીના જૂનિયર વર્ગ-2ના મહિલા અધિકારી ડો. શિલ્પા જાવિયાને વર્ગ-1નો કાર્યભાર સોંપવામાં આવેલો છે. વર્ગ-1ના અધિકારીશ્રીઓ જેમ કે આર.સી.એચ. અધિકારીશ્રી અને જિલ્લા અધિકારીશ્રી હોવા છતાં જૂનિયર તબીબી અધિકારીને ઉચ્ચ પદનો ચાર્જ આપવાથી સહકર્મીઓ હતાશાની લાગણી વ્યાપી ગયેલી છે જે આરોગ્ય જેવા અગત્યના વિભાગ માટે યોગ્ય નથી. આથી માગણી કરવામાં આવી છે કે નિયમોનુસાર પાત્રતા ધરાવતા યોગ્ય સિનિયર અધિકારીની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે નિમણૂંક આપવામાં આવે તેમજ અન્ય ખાલી પડેલી તેમજ જિલ્લા પંચાયત ખાતેની જગ્યાઓ ત્વરીત ભરવામાં આવે.
શિલ્પા એસ. જાવિયા વિરુદ્ધ ખાતાકીય પગલાં લઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી અરજી કરાઈ
નોંધનીય છે કે, શ્રીજી બેબીકેર હોસ્પિટલ સરકારશ્રીના હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટર થયેલ ન હોય, મહાનગરપાલિકા તરફથી ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલની ગેરકાયદેસર ઈમારત તોડી પાડવા માટે 260 (2)ની નોટીસ આપવામાં આવી હતી. શ્રીજી બેબીકેર હોસ્પિટલને સીલ કરવા માટે નામદાર સિવિલ કોર્ટે હુકમ કરેલો હતો. આ ઉપરાંત ભૂતકાળમાં જૂનાગઢ મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત દ્વારા શ્રીજી બેબીકેર હોસ્પિટલના એમ.ઓ.યુ. સ્થગિત કરવામાં આવેલા હતા. આમ છતાં પણ તાજેતરમાં નિમણૂંક પામેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાએ પોતાની સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ કરીને ગેરકાયદે ચાલતી ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલ સાથે બાલસખા યોજનાના એમ.એ.યુ. ફરી શરૂ કરી દીધા છે, જેથી સત્વરે જવાબદાર અધિકારી શિલ્પા એસ. જાવિયા વિરુદ્ધ ખાતાકીય પગલાં લઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા આવે એવી એક અરજી જૂનાગઢના જાગૃત નાગરિક દ્વારા સંબંધિત ઉચ્ચ વિભાગ-અધિકારીને રાજ્ય કક્ષાએ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં શ્રીજી બેબીકેર હોસ્પિટલના ડો. જયચંદ્ર રતનપરા સામે ફોજદારી ગુનો દાખલ કરવો પણ જરૂરી બની જાય છે.
તત્કાલીન જિલ્લા આરોગ્ય અધિકારીએ શ્રીજી બેબીકેર સાથે બાલસખા યોજનાના એમ.ઓ.યુ. રદ્દ કરી દીધા હતા
જૂનાગઢ શહેર બસસ્ટેશનની બાજુમાં નહેરુપાર્ક કો.ઓ.હા.સો. લી.માં ડો. જયચંદ્ર રતનપરાની માલિકીની શ્રીજી બેબીકેર હોસ્પિટલ આવેલી છે. આ ગેરકાયદે ઈમારત જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી પાડી નાખવાનો હુકમ થયેલો હતો, આ ઈમારતમાં ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલને નામદાર જૂનાગઢ સિવિલ કોર્ટ દ્વારા કોમર્શિયલ ઉપયોગ કરવા પ્રતિબંધિત કરેલો હતો. ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટે માધવનગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિમિટેડ વિરૂદ્ધ રજીસ્ટરના કેસમાં સ્પષ્ટ જણાવેલું છે કે, રેસીડેન્સીયલ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં કોમર્શિયલ એક્ટિવિટી પ્રતિબંધિત છે. આ તમામ કારણોસર તત્કાલીન જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ચેતન મહેતા દ્વારા અનેક રજૂઆતના અંતે શ્રીજી બેબીકેર હોસ્પિટલના એમ.ઓ.યુ. સ્થગિત કરવામાં આવેલા હતા. પરંતુ તાજેતરમાં ભ્રષ્ટ અને જેમના પર અનેક ખાતાકીય તપાસ ચાલુ છે તેવા વર્ગ-2 કક્ષાના અધિકારી કે જેમણે વર્ગ-1નો ચાર્જ પણ ગેરકાયદે મેળવેલો છે તેવા શિલ્પા જાવિયાએ સત્તાનો દુરઉપયોગ કરીને ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલને ગેરકાયદે તાત્કાલિક ધોરણે બાળસખા-3 યોજના હેઠળ માન્યતા આપી અખબારમાં જાહેરાત આપેલી છે કે જે બાળકો દોઢ કિલો કે તેથી ઓછા વજનવાળા બાળકો હોય તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર આપવા માટે એક દિવસના 7000/- લેખે એમ સંપૂર્ણ સારવારનો 49000/- લેખે સરકારશ્રી દ્વારા ખર્ચ કરવા માટે આ હોસ્પિટલને માન્યતા આપવામાં આવી છે. આ સમગ્ર મામલે આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા અને શ્રીજી બેબીકેર હોસ્પિટલના ડો. જયચંદ્ર રતનપરાની મિલીભગત પ્રકાશમાં આવી છે.