લગ્ન કરી પીડિતાની સહમતીથી શારીરિક સંબંધ બાંધ્યાની આરોપીના વકીલની દલીલ હાઈકોર્ટે ફગાવી દીધી
બોમ્બે હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું હતું કે, પ્રથમ લગ્ન અસ્તિત્વમાં હોવા છતાં બીજા લગ્ન કરીને શારીરિક સંબંધો રેપના ક્ષેત્રમાં આવશે. આ આચરણથી રેપનો અપરાધ બને છે એટલે આરોપી સામે રેપ અને બાઈગેમી (દ્ધિવિવાહ)ના આરોપમાં નોંધાયેલી એફઆઈઆર રદ ન કરી શકાય.
- Advertisement -
પ્રથમ પત્નીને તલાક આપી લગ્નનું વચન આપી વિધવા મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી વિધવાને બેસહારા છોડી દેનાર શખ્સના કેસમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. પીડિતા વિધવાના જણાવ્યા અનુસાર પતિના નિધન બાદ અગાઉથી પરિચિત આરોપીએ તેની સાથે સંબંધો વધાર્યા હતા.
તેણે વિશ્વાસ અપાવ્યો હતો કે તેને તેની પત્ની સાથે ભળતું નથી. એટલે તેનાથી અલગ થઈ જશો ત્યારબાદ પ્રથમ લગ્ન અસ્તિત્વમાં રહેવા છતાં તેણે મારી સાથે 18 જૂન 2014માં લગ્ન કરી લીધા. ત્યારબાદ બે વર્ષ સાથે રહ્યો બાદમાં મને બેસહારા છોડી દીધી. આ મામલે પીડિતાએ 27 સપ્ટેમ્બર 2019માં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી હતી. જે રદ કરવા આરોપીએ હાઈકોર્ટમાં દાખલ કરી હતી.
કોર્ટે આ કેસમાં જણાવ્યું હતું કે હિન્દુ લોમાં પ્રથમ લગ્ન અસ્તિત્વમાં હોવા છતાં બીજા લગ્ન કરવા અપરાધ છે. આરોપીએ પહેલા લગ્ન હોવા છતાં બીજા લગ્ન કર્યા. સુનાવણી દરમિયાન આરોપીના વકીલે દલીલ કરી હતી કે મારા અસીલે પીડિતા સાથે લગ્ન કરીને તેની સહમતીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા, એટલે આ રેપનો કેસ નથી બનતો. જો કે કોર્ટે આરોપીના વકીલની દલીલને માન્ય ન રાખી હતી.