ખાસ-ખબર ન્યૂઝ ઈં નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમે 2025ના એશિયા કપમાં વિજય મેળવી ઇતિહાસ સર્જી દીધો છે. આ રોમાંચક ફાઈનલમાં ભારતે પોતાના પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવ્યું અને નવો ઈતિહાસ રચ્યો. આ જીત સાથે ભારતે નવમી વખત એશિયા કપ જીતીને સૌથી સફળ ટીમ તરીકે પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. પરંતુ આ જીતમાં એટલું જ અનોખું ઘડાયું કે, જીત બાદ પણ ભારતીય ટીમે એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે ટ્રોફી આપનારા હતા પાકિસ્તાનના ગૃહમંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (અઈઈ)ના પ્રમુખ મોહસીન નકવી. આ તરફ સુર્યકુમાર યાદવે એક મોટી જાહેરાત પણ કરી નાખી.
ક્રિકેટ મેદાનમાં જીત પછી સૂર્યકુમાર યાદવે વધુ એક ઉદાર ઉદાહરણ આપ્યું. તેમણે જાહેરાત કરી કે તેઓ પોતાની આખી એશિયા કપ ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને આપશે. સુર્ય કુમાર યાદવે કહ્યું કે, હું આ જીત ભારતીય જવાનોને સમર્પિત કરું છું. સરહદે જે રીતે તેઓ દેશ માટે લડી રહ્યાં છે, એ અવિસ્મરણીય છે. મને ખુશી છે કે હું મારી રીતે થોડું યોગદાન આપી શકું છું. આ નિર્ણય ભારતભરમાં પ્રશંસાનો વિષય બન્યો છે. ભારતીય કેપ્ટને અગાઉ એશિયા કપની પહેલી મેચ જીત્યા બાદ પોતાની મેચ ફી સેના અને પહેલગામ હુમલામાં શહીદ થયેલા લોકોના પરિવારોને સમર્પિત કરી હતી.
કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, હું આ ટુર્નામેન્ટમાં રમાયેલી બધી મેચો માટે મારી મેચ ફી ભારતીય સેનાને દાનમાં આપવા માંગુ છું. જોકે મેચ પછીના પુરસ્કાર સમારોહમાં ભારતે તેમના મેડલ અને ટ્રોફી સ્વીકારી ન હતી જેનાથી દર્શકો અને ખેલાડીઓ બંને નિરાશ થયા હતા. પાકિસ્તાન તરફથી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (અઈઈ) ના પ્રમુખ મોહસીન નકવી ભારતીય ટીમને ટ્રોફી રજૂ કરવાના હતા પરંતુ ભારતીય ખેલાડીઓએ તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આખી ભારતીય ટીમે ટ્રોફી વિના મેદાનમાં ઉજવણી કરી.
- Advertisement -