કુરુક્ષેત્ર ખાતે આવેલ રાજ્યપાલના ફાર્મની મુલાકાત લઈ રંગપરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી શરૂ કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના તમામ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જન અભિયાન હાથ ધર્યું છે જે અન્વયે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ માટે હળવદ પણ આવ્યા હતા ત્યારે આજે વાત કરવી છે મોરબી જીલ્લાના એવા ખેડૂતની જે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી પ્રકૃતિના સંવર્ધન સાથે સારૂ એવું આર્થિક ઉપર્જન કરી રહ્યા છે.
મોરબી તાલુકાના રંગપર ગામના વતની હસમુખભાઈ ભુદરભાઈ વડસોલા તેમની 8 એકર જમીનમાંથી 4 એકરમાં પ્રાકૃતિક ખેતી કરે છે. પહેલા તેઓ 32 હજારના ખર્ચ સામે 78 હજારની આવક મેળવતા હતા જયારે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ હાલ તેમનો ખર્ચ ઘટીને 20 હજાર થઈ ગયો છે અને સામે એક લાખ બે હજારની આવક તેઓ મેળવી રહ્યા છે.
- Advertisement -
હસમુખભાઈ વડસોલા જણાવે છે કે, અમે પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. વર્ષો પહેલા અમારા વડીલો મગફળી, જુવાર, એરંડા વગેરે પાકોનું વાવેતર કરતા હતા. શરૂઆતમાં એક એકરે મગફળીનું 80 મણ કરતાં પણ વધારે ઉત્પાદન મળતું હતું પરંતુ રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરવો પડતો હોવાથી ઉત્પાદન ખર્ચ વધતો ગયો અને જમીનની ફળદ્રુપતા ઘટતી ગઈ જેથી ઉત્પાદન પણ ઘટવા લાગ્યું ત્યારબાદ પાંચ વર્ષ પહેલા હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો અને આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાતા જીલ્લા બહાર પ્રવાસ કૃષિ મેળા, જીલ્લા અંદર તાલીમ, પ્રવાસ વગેરેમાં ભાગ લીધો અને ખાસ તો આત્મા પ્રોજેક્ટ દ્વારા રાજ્ય બહાર પ્રવાસમાં કુરુક્ષેત્ર ખાતે આવેલ રાજ્યપાલના ફાર્મની મુલાકાત લીધી અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું અને ત્યારથી જ નિર્ધાર કરી લીધો પ્રાકૃતિક ખેતી કરવાનો. શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યુ ત્યારબાદ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી અને પ્રારંભ કર્યો મગફળીના પાક સાથે. મગફળીના પાકનું વાવેતર કર્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે, રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટવા લાગ્યો હતો.
હાલમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, ખાટી છાસ, આકડો, દશપર્ણ વગેરેનો ઉપયોગ કરવાથી જમીન પોચી, હરીભરી અને ફળદ્રુપ બની ગઈ છે અને ઉત્પાદન પણ વધવા લાગ્યું છે. જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી હોવાથી પરીણામે પિયતની સંખ્યા પણ ઘટી અને વિજળી ખર્ચમાં પણ બચત થઇ. અત્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરેલ મગફળીના સીંગતેલનું સીધું ગ્રાહકને વેચાણ પણ કરું છુ. આમ, સુભાસ પાલેકર પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ ઘટવાથી આવક વધારે મળે છે. જમીન સુધરે છે, ફળદ્રુપ્તામાં વધારો થાય છે, પર્યાવરણનું રક્ષણ થાય છે અને શુધ્ધ આહાર પણ મળે છે.