- કોઈપણ કોલમ ખાલી છોડવાનું સ્વીકાર્ય બનશે નહી
- ઉમેદવારીપત્રક અંગે તમામ રાજયોના ચુંટણી અધિકારીને સૂચના દર્શાવવી પડશે
આગામી દિવસોમાં લોકસભા ચુંટણીનો કાર્યક્રમ જાહેર થનાર છે તે સમયે ચુંટણીપંચે ઉમેદવારો માટે એક સૂચનામાં જણાવ્યું હતું કે નોમીનેશનના ફોર્મમાં જો એક પણ કોલમ ખાલી રખાશે એટલે કે તેનો જવાબ હા, ના અથવા નીલમાં પણ અપાશે નહી તો તે ઉમેદવારીપત્રક રદ કરવામાં આવશે. દરેક ચુંટણી સમયે આ પ્રકારે ઉમેદવારીપત્રકોમાં કોઈ કોલમ છોડી દેવા મુદે કાનુની વિવાદ સર્જાય છે તે વચ્ચે ચુંટણીપંચે અગાઉથી જ ચુંટણી લડવા ઈચ્છુક તમામ સંભવિત ઉમેદવારોને જણાવ્યું હતું કે ઉમેદવારીપત્રક પુરી સાવધાની સાથે ભરવું જરૂરી છે.
આ ઉપરાંત ઉમેદવારી દાખલ કરવાના દિવસોમાં બપોરે ત્રણ સુધીમાં ઉમેદવારી ફોર્મ રજુ કરવાનું રહેશે. અંતિમ દિને પણ આ જ નિયમ ચુસ્ત રૂપે અમલ કરવાનો રહેશે. બપોરે ત્રણ બાદ કોઈપણ ઉમેદવારીપત્રક સ્વીકારાશે નહી. પંચે એ પણ જણાવ્યું કે ઉમેદવારો દ્વારા જે સોગંદનામા દાખલ કરાયા છે તે રિટર્નીંગ અધિકારી, સહાયક રિટર્નીંગ અધિકારીની કચેરીમાં નોટીસબોર્ડ પર પણ રજુ કરવાના રહેશે અને તે રાજકીય પક્ષો, એનજીઓ અને મિડીયાને પણ ઉપલબ્ધ કરવાના રહેશે.
- Advertisement -
ચુંટણીપંચે આ માટે માહિતીના અધિકારના કાનૂનની કલમ 33-એ નો હવાલો આપતા કહ્યું કે ઉમેદવારે પોતે અત્યંત સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે કોઈ ફોજદારી કેસમાં તે બે વર્ષ કે તેથી વધુની સજા મેળવી ચૂકયા છે અથવા તો તેમને કોઈપણ કેસમાં એક વર્ષ કે તેથી વધુની સજા થઈ છે. આ માટેનું સોગંદનામુ દાખલ કરતા સમયે તમામ માહિતી અને વિગતો સ્પષ્ટરૂપે આપવાનું રહેશે.