ખાસ-ખબર ન્યૂઝ જામનગર, તા.2
જામનગર જિલ્લાના ધ્રોલના વાડી સહિતના વિસ્તારમાં રહેતા 748 જેટલા હિન્દુ ધર્મના લોકોએ ધર્મ પરિવર્તન કરવા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે . પોતાની અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં ઓવતાં આખરે થાકી કંટાળીને ધર્મ પરિવર્તનનો નિર્ણય લેવાયાનું આવેદનપત્રમાં જાહેર કરાતાં ભારે સનસનાટી મચી ગઈ છે. ધ્રોલમા વોર્ડ નંબર 7, પડધરી નાકા પાછળ 7 ડેરી મહાદેવ મંદિર વાળા માર્ગે વાડી સહિતના વિસ્તારમાં રહેતા અનેક પરિવારના કુલ 748 લોકોએ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાટીના પ્રદેશ પ્રમુખો તેમજ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પત્ર પાઠવી રજૂઆત કરતાં જણાવ્યું છે કે ભાજપ કરતાં કોંગ્રેસ સરકાર સારી હતી.
આ સરકારમાં હિન્દુની સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી. અમારા અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ લાવવામાં નહીં આવતાં આખરે કંટાળી જઈને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઈચ્છીએ છીએ. અમારા રહેણાક વિસ્તારના માર્ગે ખાટકીવાડ વિસ્તારમાં માસ મટનનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. આથી અમારી હિન્દુઓની લાગણી દુભાય છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. અહીંના મરછીયા હોલમાં જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે માસ માટે અને ગંદકીનો બહાર નિકાલ કરવામાં આવે છે. અહીં નજીકમાં જ મરઘા ઉછેર કેન્દ્ર કાર્યરત છે. આ બાબતે પણ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા છતા કોઈ પગલા લેવાયા નથી.