ભોળાનાથે ભસ્મને પોતાના શરીર પર સ્થાન આપ્યું છે. પશુપતિને પ્રિય એવી ભસ્મ વિશેની પ્રચલિત પૌરાણિક કથા કંઇક આવી છે. શિવ પુરાણ અનુસાર શિવજીએ તન પર જે ભસ્મ લગાવી તે એમનાં પત્ની સતીની ચિતાની ભસ્મ હતી. સતીના પિતાએ મહાદેવનું ઘોર અપમાન કર્યું. તેનાથી આહત થઇને સતી હવનકુંડમાં કૂદ્યાં. સદાશિવને જ્યારે આની ખબર પડી ત્યારે તે ખૂબ જ બેચેન થઇ ગયા. યજ્ઞકુંડમાથી સતીનાં અડધા બળી ગયેલા દેહને બહાર કાઢીને પ્રલાપ કરવા લાગ્યા અને સમ્રગ બ્રહ્માંડમાં ફરતા રહ્યા. કૈલાસપતિના ભયંકર ક્રોધથી અને પારાવાર અજંપાથી સંપૂર્ણ સૃષ્ટિ જોખમમાં મુકાઇ ગઈ. પણ શિવજીનો સંતાપ ચાલુ જ રહ્યો. એટલે સૃષ્ટિના પાલનકર્તા શ્રીહરિએ સતીનાં દેહના 52 ટુકડા કરી દીધાં. સતીનાં અંગ જ્યાં જ્યાં પૃથ્વી પર પડ્યાં ત્યાં શક્તિપીઠ રચાઇ. આ ઉપરાંત વિષ્ણુ ભગવાને સતીના દેહને ભસ્મમાં પરિવર્તિત કરી દીધો. ભોળાનાથે વિરહાગ્નિમાં સતીના શરીરની ભસ્મને જ સતીની અંતિમ નિશાની તરીકે પોતાના તન પર ધારણ કરી લીધી. આ પૌરાણિક કથા ઉપરાંત અન્ય પુરાણોમાં ભસ્મનું ગૂઢ રહસ્ય જાણવા મળે છે. તેમાંનું એક રહસ્ય આજે અહીં જણાવું છું. ભોલેનાથના તન પરની ભભૂતિ એ વિરક્તિનું પ્રતીક છે. સદાશિવ ગૃહસ્થ જીવન જીવતા હોવા છતાં મોહ-માયાથી પર છે. તેમના તન પરની ભસ્મ એવો સંદેશ આપે છે કે કાળના પ્રવાહમાં બધું જ રાખ થઇ જવાનું છે. આ સ્થૂળ દેહ પર મનુષ્ય ઘમંડ કરે છે તે એક દિવસ ભસ્મ થઇ જશે. શરીર ક્ષણિક છે અને આત્મા અનંત છે. માટે આજથી દેહની આસક્તિ છોડીને વિરક્ત બનવાનો પ્રામાણિક પ્રયાસ કરીએ.
હર હર મહાદેવ

Follow US
Find US on Social Medias