રાજ્યમંત્રીએ સ્વીકાર તો કર્યો પરંતુ કાર્યવાહી ક્યારે ?
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં એક રાતમાં પડેલ પાંચ ઈંચ વરસાદ તેમજ બાકીના દિવસમાં થયેલા વરસાદથી મોરબી પાલિકા તેમજ આસપાસના વિસ્તારોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી તો રોડ રસ્તામાં પણ કમરતોડ ખાડા પડયા છે અને તેમાં પાણી ભરાયા છે.
- Advertisement -
મોરબી શહેરના લોકો આ પરિસ્થિતિથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે બુધવારે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજયમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારીયા, મોરબી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારી તેમજ કલેક્ટર, ડીડીઓ અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, પાલિકા ચીફ ઓફિસર, પીજીવીસીએલ, માર્ગ મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ, રોડ રસ્તા પર ખાડાઓ, ભૂગર્ભ ગટર અને રસ્તાની સફાઈ, નેશનલ હાઇવે પર દબાણથી ભરાયેલ પાણી, પીજીવીસીએલની કામગીરી વગેરે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા બાબતે ચર્ચા કરી હતી તેમજ મોરબીનાં અવની ચોકડી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવાય છે જેમાં પાલિકા ચીફ ઓફિસર, માર્ગ મકાન વિભાગ, સિંચાઈ તેમજ અન્ય વિભાગના અધિકારીને સાથે રાખી આ સમસ્યાના નિકાલ બાબતે સ્થળ વિઝીટ કરી તાત્કાલીક એનો નિકાલ કરવા સૂચના આપી હતી.
આ સમિક્ષા મીટીંગ દરમિયાન ખુદ મંત્રી મેરજાએ સ્વીકાર કર્યો હતો કે, મોરબીના રવાપર અને અવની ચોકડી વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવવા માટે ગ્રામ પંચાયત વિસ્તારમાં ખડકાયેલ બાંધકામ, વરસાદી પાણીના નિકાલ બંધ કરવા તેમજ વરસાદી પાણીનો જ્યાં સંગ્રહ થાય છે ત્યાં દબાણ સાહિતના કારણ જવાબદાર હોવાનો સ્વીકાર કર્યો હતો એ ઉપરાંત નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણીના નિકાલની જગ્યામાં શોપિંગ કોમ્પ્લેક્ષ દ્વારા દબાણ કરાયું હોવાથી પાણી નીકળતું ન હોવાનો સ્વીકાર કર્યો હતો ત્યારે રાજ્યમંત્રીએ હવે સ્વીકારી લીધું છે તો જે તે જવાબદાર વિભાગને કડક સૂચના આપી આવા ગેરકાયદે બાંધકામ કરનાર બિલ્ડરો કે જમીન માલિકો તેમજ કોમ્પ્લેક્ષ ધારકોને નોટિસ આપી આવા દબાણ દૂર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે જો આ દબાણ પર પણ જો કાર્યવાહી કરવામાં આવશે તો આ વિસ્તારમાં અનેક સમસ્યાઓનો હલ આવશે.