હનુમાનજીનું આવું ચિત્રાંકન હિનતા, હનુમાન ભગવાન રામના સેવક છે, ઘનશ્યામ મહારાજના નહીં: સાધુસંતો
ખાસ-ખબર સંવાદદાતા
હિન્દુઓની આસ્થાના કેન્દ્ર એવા સાળંગપુરમાં વડતાલ સંપ્રદાય દ્વારા કંડારાયેલા ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવ્યાનો વિવાદ અને હનુમાનજીના ભાલ પર ભગવાન રામના રઘુતિલકના બદલે સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવાનો વિવાદ સપાટી પર આવી ગયો છે. બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કષ્ટભંજન હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરી તેને કિંગ ઓફ સાળંગપુર નામ આપવામાં આવ્યું છે.
પ્રતિમાના ફાઉન્ડેશનની ફરતી જગ્યામાં હનુમાજી સહજાનંદ સ્વામીની સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં હોય તેવું ભીંતચિત્ર કંડારવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં સહજાનંદ સ્વામીને આસન પર બેઠેલા અને હનુમાનજીને નીચે હાથ જોડેલી મુદ્રામાં પણ બતાવાયા છે જેનો સમગ્ર રાજ્યમાં વિવાદ સર્જાયો છે. તેની સૌથી વધુ અસર, કચવાટ, આક્રોશ અને લાગણીની ચરમસીમાઓ સાળંગપુરમાં જોવા મળી હતી. દૂર દૂરથી દર્શને આવેલા લોકોના ચહેરા પર ઉચાટ સાથેનો કચવાટ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
- Advertisement -

સાળંગપુર દર્શને આવેલા દર્શનાર્થીઓએ ભીંતચિત્ર બાબતે ભારે રોષ ઠાલવી તેને હટાવી લેવાની માગણી કરી હતી. મોરારિબાપુ, કબરાઉ ધામના મહંત, ગિરનારના સાધુસંતો સહિત સનાતન ધર્મના સંતો-મહંતોએ વડતાલ તાબેના સ્વામિનારાયણ સંપ્રદાય સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. બીજી તરફ વડતાલ મંદિર ટ્રસ્ટના ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ હનુમાનજી જ વિવાદનો અંત લાવશે તેમ કહી જેને વિરોધ હોય તે કોર્ટમાં જઇ શકે અને ભીંતચિત્ર ન હટાવવાનો નિર્ણય હોવાનું કહ્યું હતું.



