ટ્રમ્પની ધમકી બાદ યુદ્ધવિરામ માટે સહમતી: ઇઝરાયલ પણ તાત્કાલિક હુમલાઓ રોકવા તૈયાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી હતી ત્યારે કાયમી શાંતિ લાવવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20 સૂત્રીય એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને માની લેવા માટે હમાસે તૈયારી બતાવી દીધી છે. ટ્રમ્પે આ મામલે ખુદ ટ્રૂથ પર પોસ્ટ કરીને જાણકારી શેર કરી હતી.
પેલેસ્ટિની સંગઠન હમાસે જાહેરાત કરી હતી કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ હેઠળ અમે તમામ ઈઝરાયલી બંધકો (ભલે જીવીત હોય કે મૃત) મુક્ત કરવા તૈયાર છીએ. હમાસનો આ નિર્ણય ગાઝામાં યુદ્ધનો અંત આણવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
હમાસે એક નિવેદનમાં કહ્યું છે કે અમે ટ્રમ્પના ગાઝા પીસ પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા માટે મધ્યસ્થીઓના માધ્યમથી તાત્કાલિક મંત્રણા કરવા તૈયાર છીએ. જો આ પગલું સફળ થશે તો ઓક્ટોબર 2023 માં ઈઝરાયલ પર હુમલા દરમિયાન અપહરણ કરાયેલા બંધકોની વાપસી માટે મહિનાઓના પ્રયાસો દરમિયાન આ સૌથી મોટી સફળતા હશે. હમાસે એમ પણ કહ્યું કે અમે ગાઝાની સત્તા સ્વતંત્ર ટેક્નિકલ નિષ્ણાતોની પેલેસ્ટિનિયન ઈન્સ્ટિટ્યૂટને સોંપવા તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે હમાસ જ અત્યાર સુધી ગાઝામાં સત્તામાં હતું. આ સમૂહે ગાઝામાં સંઘર્ષનો અંત આણવાના પ્રયાસો બદલ અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો હતો. સાથે જ અરબ, ઈસ્લામિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અગાઉ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હમાસને રવિવાર સાંજના 6 વાગ્યા સુધી ઈઝરાયલ સાથે શાંતિ સમજૂતિ કાયમ કરી લેવા અલ્ટીમેટમ આપ્યું હતું. હમાસ સંગઠનનના લીડર્સે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પીસ પ્લાન પર આંશિક સહમતિ આપી દેતાં ટ્રમ્પે ઈઝરાયલને આદેશ આપ્યો હતો કે તાત્કાલિક ધોરણે ગાઝામાં બોમ્બમારો કરવાનું બંધ કરે.
યુદ્ધવિરામ માટે પ્રથમ તબક્કો લાગુ કરીશું: નેતન્યાહૂ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝામાં શાંતિ સ્થાપવા માટેના પીસ પ્લાન અંગે હમાસે સહમતિ આપી દેતાં ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે અમેરિકન પ્રમુખના શાંતિ પ્રસ્તાવના પ્રથમ તબક્કાને અમલમાં મૂકવા તૈયાર છીએ.
ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ અનુસાર પ્રથમ તબક્કામાં હમાસે તમામ ઈઝરાયલી બંધકોને મુક્ત કરવા પડશે. તેના વિશે વધુમાં નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું કે ઈઝરાયલ અને અમેરિકન પ્રમુખની ટીમ સાથે મળીને યુદ્ધનો અંત લાવવા માટે કામ કરતી રહેશે. જોકે ઈઝરાયલી વડાપ્રધાનના કાર્યાલયના નિવેદનમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે આ દરમિયાન ગાઝા પર બોમ્બમારો અટકાવી દેવામાં આવશે.
સ્થાનિક મીડિયાના અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે ઈઝરાયલના રાજકીય નેતૃત્વએ ઈઝરાયલી સૈન્યને ગાઝા શહેર પર કબજો કરવાના અભિયાનને રોકવાનો આદેશ આપી દીધો છે. હવે આ પ્રકારના ઓપરેશનને અટકાવવા અને ફક્ત ડિફેન્સમાં કોઈ કાર્યવાહી કરવા માટેનો જ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય અમેરિકા અને ઈઝરાયલના અધિકારીઓ વચ્ચે રાતભર ચાલેલી વાતચીત બાદ લેવામાં આવ્યો હતો.