ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવે તો પાક બચાવી શકાય: મનસુખભાઈ પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકામાં મોટા પ્રમાણમાં ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલે મુખ્યમંત્રી અને ધારાસભ્ય સહિત મંત્રીઓને લેખિતમાં રજૂઆત કરી છે. આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે, હળવદ તાલુકાના ધનાળા, રાયસંગપર, ચાડધ્રા, મયુરનગર, ટીકર, મિંયાણી, માનગઢ અને અજીતગઢ સહિતના ગામો પિયત માટે પાણી, પીવાનું પાણી અને પશુધન માટે બ્રાહ્મણી ડેમ 2 પર આધારીત છે જેથી બ્રાહ્મણી ડેમ 2 માંથી બ્રાહ્મણી નદી ભરવામાં આવે તો તેમની સમસ્યાનો અંત આવી શકે તેમ છે. આ સાથે જ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને પાકમાં પણ નુકસાની થઈ શકે છે જેથી હાલ આપવામાં આવતી 8 કલાક વીજળી 10 કલાક આપવા રજૂઆત કરી છે જેથી ખેડૂતો પુરતા પ્રમાણમાં પિયત કરી શકે અને પાક નુકસાની અટકાવી શકે.