ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં કેમિકલ ચોરી, પેટ્રોલ અને ડિઝલની ચોરી કરવામાં આવતી હોય છે. આવી જ રીતે થોડા સમય પહેલા હળવદ શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ કારખાના પાછળ ટેંકર ઊભું રાખવામા આવ્યું હતું અને તેમાંથી કેમીકલની ચોરી કરતાં હતા. ત્યારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરીને કુલ 63.17 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને અંધારનો લાભ લઈને ત્રણ શખ્સો ત્યાંથી નાશી ગયા હતા. જે બનાવમાં હળવદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ હતી. જેમાં પોલીસે હાલમાં હળવદના બે પત્રકારોની ધરપકડ કરી છે અને એક પત્રકારને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
- Advertisement -
હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગાંધીધામના કીડાણા ગામના ફરીયાદી લલીતભાઈ સાંઈબાબા બીરારીસ (પાટીલ) દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં એનાલીન કેમિકલ ચોરી અંગે ફરીયાદ આપી હતી ત્યારે પોલીસે અગાઉ આરોપીઓ અમીતભાઇ દિનેશભાઇ નીનામાં, હરેશભાઇ મયાભાઈ ગોલતર, તેમજ કાળુભાઇ ઉફે ગડો કેશાભાઇ દેથરીયાની અટકાયત કરી હતી. ત્યારે આ ગુન્હામાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા હળવદના બે પત્રકાર મેહુલભાઇ મસરૂભાઇ દોરાલા (ઉ.વ.31) તેમજ બળદેવભાઇ શંકરભાઇ દોરાલાનું નામ ખુલતા બંનેની અટકાયત કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા પરંતુ કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર કરતા બન્નેને જેલ હવાલે કરવામાં આવ્યા છે.