સરા ચોકડીએ લાગેલા જોખમી હોર્ડિંગ્સ સાત દિવસમાં ઉતારી લેવા નોટિસ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદની સરા ચોકડીએ ખાનગી કોમ્પ્લેક્ષ પર લાગેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા માટે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી હોર્ડિંગ્સ લગાવવાની કામગીરી ચાલી રહી હતી જે હોર્ડિંગ્સ જોખમી હોવાનો ’ખાસ-ખબર’ માં અહેવાલ પ્રસારિત થયા બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને હોર્ડિંગ્સને સાત દિવસમાં ઉતારી લેવા નોટિસ ફટકારી છે તેમજ પોલીસ મથકે પણ નકલ રવાના કરવામાં આવી છે.
- Advertisement -
હળવદ શહેરની સરા ચોકડીએ આશરે 30 ફુટ ઉંચા અને 100 ફુટ જેટલા લાંબા જોખમી હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જે હોર્ડિંગ્સ જોખમી હોવાનો ’ખાસ-ખબર’ માં અહેવાલ પ્રસારિત થયો હતો જે બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને ચીફ ઓફિસર દ્વારા સ્થળ ચકાસણી કરીને હોર્ડિંગ્સ લગાવનારને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં જણાવ્યા અનુસાર સરા ચોકડીએ લાગેલા હોર્ડિંગ્સ મંજૂરી વિના ઉભા કરી દેવામાં આવ્યા છે અને તે હોર્ડિંગ્સ જોખમી સ્થિતિમાં છે જેથી ત્યાં અવર જવર કરતા લોકો માટે અસુરક્ષિત છે જેથી સાત દિવસમાં હોર્ડિંગ્સ ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવી છે અને જો સાત દિવસમાં હોર્ડિંગ્સ ઉતારવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો સાથે ગેરકાયદેસર જોખમી હોર્ડિંગ્સ લગાવનારા ચિત્રા બી પબ્લિસીટીની વધુ તપાસ અર્થે હળવદ પોલીસને નકલ રવાના કરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.