મૃતકના પત્નીએ હળવદ પોલીસ સ્ટેશનમાં જમીનના દસ્તાવેજ ન આપવા અને ઊંચા વ્યાજની ઉઘરાણીના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક લીજોન એગ્રી પ્રોડક્ટ પ્રા.લિ.ના નવા બનતા કારખાનાના ગ્રાઉન્ડમાંથી એક કારખાનેદારે પોતાની કારમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેવાની ગંભીર ઘટના બની છે. મૃતકના વાહનમાંથી મળેલી સુસાઈડ નોટના આધારે પોલીસે વ્યાજખોરો અને ઉઘરાણી કરનારાઓ સહિત કુલ દસ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક કારખાનેદારની પત્ની હંસાબેન નવીનભાઈ આદ્રોજા (ઉં.વ. 45) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં શરદભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, ભરતભાઈ ભટાસણા સહિત દસ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ છે.હંસાબેને જણાવ્યું છે કે, તેમના પતિએ શરદભાઈ અને સુરેશભાઈને જમીનના તમામ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો અને વધારાના એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી.આ ઉપરાંત, ભરતભાઈ ભટાસણા પાસેથી ઊંચા વ્યાજે લીધેલા રૂપિયાની ચુકવણી કર્યા બાદ પણ વધુ ઉઘરાણી કરવામાં આવતી હતી. બાકીના આરોપીઓ પણ ધંધાના બાકી રૂપિયાની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ અને ધાકધમકીઓ આપતા હતા. આરોપીઓના આ ત્રાસથી કંટાળીને તેમના પતિએ આત્મહત્યા કરી હોવાનું જણાવાયું છે. પોલીસે તમામ 10 આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.



