પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ બાદ વિકાસલક્ષી નિર્ણયો લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.21
હળવદ નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં તમામ 28 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆતમાં, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આકસ્મિક અવસાન બદલ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ, પ્રમુખના અધ્યક્ષસ્થાનેથી સભાની કાર્યવાહી શરૂ થઈ, જેમાં કુલ 1 થી 46 એજન્ડા મુદ્દાઓ અને અધ્યક્ષસ્થાનેથી 5 વધારાના મુદ્દાઓ મળીને કુલ 51 જુદા જુદા વિકાસકામોના ઠરાવો બહુમતીથી પસાર કરવામાં આવ્યા.
- Advertisement -
ઉપરોક્ત સભા દરમિયાન, ભાજપ શાસિત હળવદ નગરપાલિકાથી નગરજનો સંતુષ્ટ ન હોય તેવો દાવો કરીને કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, સત્તાપક્ષે આ વિરોધને ફક્ત “ડિંડક” સાબિત થયો હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં કોઈએ સહી ન કરી હોવાનો અને કાર્યક્રમમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારના તથા બીજા તાલુકાના લોકો જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે શહેરીજનોમાં કોંગ્રેસના વિરોધને સમર્થન મળ્યું નથી.
આજના જનરલ બોર્ડમાં તમામ મુદ્દાઓ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે હળવદ શહેરની જનતા ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકાથી સંતુષ્ટ છે. કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધ કાર્યક્રમમાં હળવદના કોઈ શહેરીજનો ન જોડાતા, ગ્રામ્ય વિસ્તાર અને અન્ય તાલુકાના લોકોને બોલાવીને કોંગ્રેસે સંતોષ માનવો પડ્યો હોવાનો સત્તાપક્ષે આક્ષેપ કર્યો હતો.
મુખ્ય વિકાસલક્ષી ઠરાવો
- Advertisement -
અતિ આવશ્યક ઈમરજન્સી એમ્બ્યુલન્સ વસાવવી.
આગ-અકસ્માતના બનાવમાં વધુ અસરકારક કામગીરી માટે નવું ફાયર વાહન અને સાધનો વસાવવા.
હળવદ નગરપાલિકા બિલ્ડિંગ તેમજ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થામાં સોલાર પાવર આધારિત વ્યવસ્થા હાથ ધરવાનું આયોજન.
દેશદાઝ અને રાષ્ટ્રીય ભાવનાના પ્રેરણારૂપ એવા તિરંગા સર્કલ બનાવવાનું કામ.
પાણીની પરિસ્થિતિમાં સુધારો અને પાણી વિતરણમાં વધુ અસરકારક કામગીરી માટે નલ સે જલ યોજનાના કામોનું આયોજન.
હળવદ નગરપાલિકાના પ્રશંસનીય કાર્યો અને ભવિષ્યની યોજનાઓ
હળવદનો મુખ્ય માર્ગ જે બિસ્માર હતો, તે રૂ. 16 કરોડના ખર્ચે બની રહ્યો છે અને શહેરીજનો આ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.
નગરપાલિકાના સદસ્યો 24*7 લોકોની વચ્ચે રહીને નાના-મોટા પ્રશ્નોને વાચા આપી રહ્યા છે.
હેલ્પલાઈન નંબર: 02758-261432 જાહેર કરવામાં આવ્યો છે, જેથી ઘરે બેઠા પણ નગરપાલિકાને લગતી સમસ્યાઓ ટેલિફોનિક નોંધાવી તેનું નિરાકરણ લાવી શકાય.
મુક્તિધામ 365 દિવસ સ્વચ્છ રાખીને છાણા અને લાકડાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક સ્મશાનમાં લાઈટના પોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.
તળાવ કાંઠે આવેલા બગીચામાં આકર્ષક લાઈટો પણ ફીટ કરવામાં આવી છે.
સાતે સાત વોર્ડમાં સદસ્યો દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જેથી રહેવાસીઓ પોતાની સમસ્યા ગ્રુપમાં મૂકી શકે અને તેનું સત્વરે સમાધાન થઈ શકે.
ભવિષ્યની યોજનાઓ:
હળવદની આન-બાન-શાન સમા શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર પરના મુખ્ય માર્ગને આગવી ઓળખ આપવાનું કામ.
સામંતસર સરોવરને ટુરિઝમ પોઈન્ટ તરીકે વિકસાવવાનું.
વિદ્યાર્થીઓ અને વડીલો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ લાઈબ્રેરી બનાવવાનું.
અદ્યતન ફાયર સ્ટેશન બનાવવાનું.
અદ્યતન સુવિધાસભર ઓડિટોરિયમ હોલ બનાવવાનું.
વોર્ડ નંબર 1 થી 7 માં જ્યાં રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનોના કામો બાકી છે, તે સત્વરે શરૂ કરવાનું આયોજન.