સરકારી જમીન પર મંજૂરી વગર ખડકાયેલા મસમોટા બોર્ડ વાહનચાલકો માટે જોખમી; ખાનગી કંપનીઓ તંત્રની રહેમનજર હેઠળ કમાતી હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
- Advertisement -
હળવદ શહેરના રાજમાર્ગો અને હાઈવેની બંને બાજુ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા હોર્ડિંગ્સ હવે વિવાદનું કેન્દ્ર બન્યા છે. મંજૂરી વગર ઉભા કરાયેલા આ હોર્ડિંગ્સના કારણે શહેરની શોભા તો બગડે જ છે, પરંતુ વાહનચાલકો પર તે ગમે ત્યારે મોત બનીને ત્રાટકે તેવી ભીતિ સેવાઈ રહી છે. જાગૃત નાગરિકોની માંગ છે કે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા આ દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ હાઈવે પર માર્ગની બંને સાઈડ મસમોટા હોર્ડિંગ્સ ઉભા કરવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, ખાનગી કંપનીઓ જાહેરાતકર્તાઓ પાસેથી એક હોર્ડિંગ દીઠ લાખો રૂપિયા ભાડું વસૂલી રહી છે, જ્યારે સરકારી તિજોરીમાં એક પણ રૂપિયો જમા થતો નથી. સરકારી જમીનનો ખુલ્લેઆમ ગેરકાયદે ઉપયોગ થતો હોવા છતાં જવાબદાર તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે.
તંત્રની નિષ્ક્રિયતા સામે લોકરોષ
સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની મિલીભગત વગર આટલા મોટા પાયે ગેરકાયદે હોર્ડિંગ્સ લાગી શકે નહીં. ચોમાસામાં કે તેજ પવનમાં આ હોર્ડિંગ્સ ઉખડીને વાહનચાલકો પર પડે તે પહેલા તેને હટાવવા માંગ ઉઠી છે. નાગરિકોએ માગણી કરી છે કે અત્યાર સુધી ગેરકાયદે રીતે ઉઘરાવેલી રકમની વસૂલાત કરવામાં આવે અને જવાબદાર એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે માર્ગ-મકાન વિભાગ અને નગરપાલિકા તંત્ર આ બાબતે ક્યારે જાગશે.



