આંકડાશાસ્ત્ર ભવન માટે મોસાળે જમણ ને મા પીરસે જેવો ઘાટ: વક્તાઓના રેલ્વે-એરફેર માટે 2.25 લાખ, ભોજન નાસ્તાના 2.50 લાખ, કોન્ફરન્સ કીટના 20 હજાર!
યુનિવર્સિટીમાં અદ્યતન ગેસ્ટ હાઉસ, ગછઈં હોસ્ટેલ છતાંય વક્તાઓને હોટેલ ભાડાનાં રૂા. 50000 ચૂકવાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે મળનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈનાન્સની બેઠકમાં આંકડાશાસ્ત્ર ભવનમાં નેશનલ કોન્ફરન્સ માટે રૂા. 7 લાખ જેવી માતબર રકમને મંજૂરીની મ્હોર મારવામાં આવનાર છે. મોસાળે મા પીરસે તેવા માહોલ વચ્ચે મંજૂર થનાર આ ખર્ચની રકમના વપરાશ માટે યુનિવર્સિટીના વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ સંભળાય છે.
આંકડાશાસ્ત્ર ભવનમાં ફરી આ વર્ષે નેશનલ કોન્ફરન્સ માટે રૂા. 7 લાખ મંગાયા છે. જેમાં વક્તાઓ સહિતના એક્સપર્ટના હવાઈ સહિતના ભાડાના રૂા. 2.25 લાખ, ભોજન-નાસ્તાના રૂા. 2.50 લાખ, ડેલીગેટસને કોન્ફરન્સ કીટના રૂા. 20,000, એક્સપર્ટ વક્તાઓ સહિતનાના હોટેલમાં રહેવાના રૂા. 50,000, લોકલ ટ્રાન્સપોર્ટેશનના રૂા. 25,000, ઓનલાઈન રજિસ્ટ્રેશન, ફી પેમેન્ટ અને સર્ટિફીકેટ માટે વેબ ડેવલપમેન્ટ સર્વિસ સિસ્ટમ ઉભી કરવાના રૂા. 10,000, મોમેન્ટોના રૂા. 20,000, સ્ટેશનરીના રૂા. 10,000, આકસ્મિક ખર્ચ રૂા. 20,000 અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનો રૂા. 20,000નો ખર્ચ મૂકાયો છે.
લોકલ ટ્રાન્સપોર્ટેશનના 25,000!!
નેશનલ કોન્ફરન્સમાં આવનાર વક્તાઓ માટે લોકલ ટ્રાન્સપોર્ટેશન માટે રૂા. 25 હજાર જેવી માતબર રકમ માંગવામાં આવી છે. વક્તાઓ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશનથી યુનિવર્સિટી સુધી પહોંચે તે માટે આટલી મોટી રકમ કેમ જરૂરી? સેમિનાર માટે જ આવનાર વક્તાઓને અન્યત્ર ફરવા લઈ જવાનો તો પ્લાન નથીને?
- Advertisement -
મંજૂર…, મંજૂર…, મંજૂર…
આંકડાશાસ્ત્ર ભવનની નેશનલ કોન્ફરન્સ માટે સુભગ સમન્વય જોવા મળે છે. મંજૂરી માંગનાર, ફાયનાન્સ કમિટિના હોદ્દેદાર, મંજૂરીમાં મ્હોર મારનાર આ બધામાં ‘ઘરના ભુવા ને ઘરના ડાકલા’ જેવું હોવાનું ચર્ચાય છે ત્યારે ગેરરીતિ સામે અવાજ ઉઠાવનાર જાગૃત અને વરિષ્ઠ સિન્ડિકેટ સભ્યો આવતીકાલની ફાયનાન્સ કમિટિની બેઠકમાં ગુંજનાર મંજૂર-મંજૂરના નાદને શાંતિથી સાંભળી લેશે કે મનમાની સામે અવાજ ઉઠાવશે?