ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં આજે સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. કોર્ટના આદેશ મુજબ એડવોકેટ કમિશનરે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આજની સર્વેની કામગીરી પુરી પૂર્ણ કરી હતી. સર્વે ટીમની સાથે વાદી-જવાબદાર પક્ષકારો પણ પરિસરમાં હાજર હતા. સાવચેતીના પગલા તરીકે મસ્જિદ પરિસરની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. મસ્જિદ સંકુલના 500 મીટરની અંદરની દુકાનો બંધ કરવામાં આવી હતી. એક કિમીની ત્રિજ્યામાં 1500થી વધુ સુરક્ષા જવાનો તૈનાત હતા.
સર્વે બાદ બહાર આવેલા વિશ્વ વૈદિક સનાતન સંઘના વડા જિતેન્દ્ર સિંહ બિસેને કહ્યું છે કે કલ્પના કરતાં ઘણું બધું છે. જ્ઞાનવાપી સર્વેક્ષણ દરમિયાન શું જાણવા મળ્યું તેવા પ્રશ્ન પર જીતેન્દ્ર સિંહ બિસેને કહ્યું કે મારા નહીં પણ આપણા બધાની કલ્પના કરતાં ઘણું બધું છે. તેમણે કહ્યું કે આવતીકાલના સર્વે માટે પણ ઘણું બધું છે. બિસેને કહ્યું કે કેટલાક તાળા ખોલવામાં આવ્યા હતા, કેટલાક તાળા તોડવા પડ્યા હતા. સર્વેનો રિપોર્ટ પણ બધાની સામે આવશે.
સર્વે બાદ મસ્જિદ પરિસરમાંથી બહાર આવેલા વકીલોએ જણાવ્યું કે કાર્યવાહી લગભગ ચાર કલાક સુધી ચાલી હતી. સર્વે રિપોર્ટ અત્યંત ગોપનીય છે. કોર્ટનો આદેશ છે કે જે કોઈ કાર્યવાહીની બહાર કંઈક લીક કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. વકીલોએ એમ પણ કહ્યું હતું કે, જ્યાં સર્વે કરવાનો હતો, ત્યાં કરવામાં આવ્યો છે. સર્વેની કાર્યવાહી આવતીકાલે એટલે કે 15 મેના રોજ પણ ચાલુ રહેશે.
જ્ઞાનવાપી મસ્જિદનો મામલો અને ઈતિહાસ
- Advertisement -
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરનો વિવાદ મસ્જિદ પરિસરમાં શ્રૃંગાર ગૌરીની દરરોજ પૂજા કરવાની માંગને લઈને છે. ઈબાદતની માંગ કરતી અરજી બાદ કોર્ટે મસ્જિદમાં પુરાતત્વીય સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદનો ઇતિહાસ જોઇએ તો, મસ્જિદના સ્થાને પહેલા હિન્દુ શિવમંદિર હતું તેવો દાવો હિન્દુઓ વર્ષોથી કરી રહ્યા છે.વર્ષ 1669માં મુઘલ બાદશાહ ઔરંગઝેબે મસ્જિદ બનાવવાનું ફરમાન જાહેર કર્યું હતું. ઔરંગઝેબના અનેક ફરમાનો સહિત આ ફરમાન પણ કોલકતા સ્થિત એશિયાટિક લાઈબ્રેરીમાં સચવાયેલું છે. ઔરંગઝેબના સમકાલીન ઈતિહાસકાર મુસ્તૈદ ખાને ‘માસિદ-એ-આલમગીરી’ નામના ગ્રંથમાં આ ફરમાનનો ઉલ્લેખ કર્યો છે રસપ્રદ યોગાનુયોગ એ છે કે ઔરંગઝેબના ફરમાનથી જે શિવમંદિર તોડી પાડવામાં આવ્યું હતું એ ઔરંગઝેબના પૂર્વજ મુઘલ બાદશાહ અકબરના ફરમાનથી તેનાં નવ રત્નોમાં સામેલ હિન્દુ સરદાર ટોડરમલે જ બંધાવેલું હતું. મતલબ કે પોતાના વડદાદાએ જે મંદિર બંધાવ્યું હતું તે ઔરંગઝેબે તોડી પાડ્યું. ટોડરમલે એ મંદિર બંધાવવાની જરૂર કેમ પડી તે જાણવું પણ મહત્વનું છે. અહીં સદીઓથી પ્રાચીન શિવમંદિર હતું જ. જેને વર્ષ 1194માં મુસ્લિમ આક્રમણકાર મોહમ્મદ ઘોરીએ તોડી પાડ્યું હતું. ટોડરમલે બંધાવેલ મંદિર ઔરંગઝેબે તોડી નંખાવ્યું. ત્યારબાદ જૌનપુરના નવાબે એ મંદિરના કાટમાળ પર મસ્જિદનું નિર્માણ કર્યું. જે આજે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે. વર્ષ 1991માં કાશીની જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાતી ઈમારત ખરેખર તો શિવમંદિર છે અને ત્યાં હિન્દુઓને દર્શનની અનુમતિ હોવી જોઈએ એવા મતલબની અરજી કરાઇ. સોમનાથ વ્યાસ, હરિહર પાંડે અને રામરંગ શર્મા નામના ત્રણ વિદ્વાન હિન્દુઓએ અદાલત સમક્ષ અરજી કરી. તો વર્ષ 2021ના ઓગસ્ટ મહિનામાં પણ દિલ્હીની પાંચ મહિલાઓએ બનારસની અદાલતમાં દાવો કર્યો કે જ્ઞાનવાપી મસ્જિદમાં શ્રુંગાર ગૌરી સહિતના વિવિધ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિના અવશેષો છે. અહીં હિન્દુઓને પૂજા-અર્ચનાની મંજૂરી આપવામાં આવે અને આ મૂર્તિઓને નુકસાન ન થાય તેની તકેદારી લેવામાં આવે. 1991 અને 2021માં થયેલી બંને અરજી જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાતી ઈમારત મૂળભૂત રીતે હિન્દુ મંદિર હોવાનો દાવો કરે છે અને તેનાં સમર્થનમાં કેટલાંક પુરાતત્વીય અને ઐતિહાસિક પૂરાવાઓ પણ રજૂ કર્યા છે.
આવતીકાલે પશ્ર્ચિમ તરફની દીવાલનો સર્વે થશે
મસ્જિદમાં આજનો સર્વે પૂર્ણ થઇ ગયો છે. આજે મસ્જિદનાં ચાર રૂમનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કેટલાક રૂમનાં દરવાજાને તાળા માર્યા ણ હતા. જ્યારે કેટલાક રૂમનાં દરવાજાના તાળા ન ખુલતા તોડવામાં આવ્યા હતા. આવતી કાલે પણ સર્વેની કામગીરી કરવામાં આવશે. આવતી કાલે મસ્જિદની પશ્ચિમ તરફની દીવાલનો સર્વે થશે.
- Advertisement -
સર્વે રિપોર્ટ 17 મેના રોજ રજૂ થશે
કોર્ટે આદેશ આપ્યો હતો કે એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રા યથાવત રહેશે. તે જ સમયે, કોર્ટે વિશાલ સિંહ અને અજય સિંહને સહાયક કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. કોર્ટે 17મી મેના રોજ સંપૂર્ણ સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.