આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને ઢોર માર મારતા વિડીયો વાયરલ
દોઢ મહિના પછી ઘટનાની જાણ, વાલીઓનો રોષ
તપાસ કમિટીની રચના: હોસ્ટેલમાં ‘ગુંડારાજ’નો પર્દાફાશ થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
અમદાવાદમાં તાજેતર માંજ એક વિદ્યાર્થીને છરી મારીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના હજુ તાજી છે ત્યારે જૂનાગઢની આલ્ફા ઇન્ટર નેશનલ સ્કૂલની હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ઢોર માર માર્યો હોવાના બે અલગ અલગ વિડિઓ વાઇરલ થતા શિક્ષણ જગતને કલંક લગાવતી આ ઘટનાની વાલીઓમાં ભારે રોષ પ્રગટ થયો છે. શિક્ષણ ધામમાં આવા બનાવો સામે આવતા જાણે આ સ્કૂલ કે હોસ્ટેલ જાણે ગુંડા રાજ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.શું આ બાબતે સરકાર કે તંત્ર અને શાળા અને હોસ્ટેલ સંચાલકો ક્યારે જાગૃત થશે અને આવા નિર્દોષ વિદ્યાર્થીઓ ક્યારે ભોગ બનતા અટકશે? જૂનાગઢ બાયપાસ રોડ પર આવેલી આલ્ફા ઇન્ટર નેશનલ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીને ચાર થી પાંચ વિદ્યાર્થીએ માર માર્યાનો વિડિઓ વાઇરલ થયો હતો આ મામલે જુવેનાઇલ અધિ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આ હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓને પણ આવી મારમાર્યાનો વધુ એક વિડિઓ વાઇરલ થયો હતો.આ ઘટના અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહી થશે. આ અંગેની વધુ વિગત મુજબ શહેરના મધુરમ બાયપાસ રોડ પર આવેલી આલ્ફા ઇન્ટર નેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને ચાર – પાંચ વિદ્યાર્થીએ માર માર્યો હોવાનો વિડિઓ વાઇરલ થયો હતો.
આ ઘટનાના દોઢ માસ બાદ વિદ્યાર્થીના પિતાને અંગેની જાણ થતા અને તેને સી.ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે પાંચ વિદ્યર્થી સામે જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.આવી ઘટના બની છતાં શાળા કે હોસ્ટેલના સંચાલકો ભોગબનનાર વિદ્યાર્થીના વાલીને જાણ કરી ન હતી.જેથી વિદ્યાર્થીના પિતાએ શાળા અને હોસ્ટેલ સંચાલકો સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તપાસની માંગ કરી હતી. આ દરમિયાન હોસ્ટેલમાં ચાર પાંચ વિદ્યાર્થી એક વિદ્યાર્થીને બે ફામ માર મારતા હોવાના વધુ ત્રણ ચાર વિડિઓ સામે આવ્યા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને કલેકટરે તપાસ કમિટી રચવા હુકમ કર્યો હતો. એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, અગાઉ જે વિડિઓ સામે આવ્યા હતા તેમાં પોલીસે જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. ગઈકાલ જે વધુ વિડિઓ સામે આવ્યા છે. તેની તપાસ કરવામાં આવશે. તપાસ કમિટીમાં એસડીએમ, નાયબ કમિશનર, ડીવાયએસપી, શિક્ષણ અધિકરી અને બાળ સુરક્ષા અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તપાસ બાદ જે કઈ નિયમોનો ભંગ થયો હશે તેની તપાસ કરી રિપોર્ટ અપાશે અને આ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ મારામારવાની ઘટનાને તંત્રએ ગંભીરતાથી લઈને તપાસ કમિટી બનાવી છે. હવે આ કમિટીના રિપોર્ટ બાદ શું પગલાં લેવામાં આવે છે. એ જોવું રહ્યું.