ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રયાગરાજમાં યોજાયેલા દિવ્ય મહાકુંભ કરોડો લોકોની આસ્થાનું પ્રતીક રહ્યો છે અને લોકોએ આ કુંભના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. રાજકોટની સેવાભાવી સંસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા પણ મહાકુંભમાં ગયા હતા અને ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું અને આસ્થાની ડૂબકી મારી હતી. ગુણવંતભાઈ ડેલાવાળાએ સરગમ પરિવારના હજારો સભ્યોને યાદ કરીને મંત્રોચ્ચાર કર્યા હતા અને પૂજા કરી હતી. ગુણવંતભાઈના જણાવ્યા અનુસાર,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ભારતીય ઋષિ સંસ્કૃતિને ઉજાગર કરતાં અદ્ભુત અને અવિસ્મરણીય અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર વિશ્ર્વને અચંબિત કરનાર આયોજન થકી આ પરમ પાવન અને કલ્યાણકારી, દિવ્ય અને મોક્ષદાયક પ્રયાગરાજ તીર્થ ખાતે મા ગંગાજી, મા યમુનાજી, મા સરસ્વતીજીના પરમ કલ્યાણકારી ત્રિવેણી સંગમ ખાતે ઇષ્ટદેવની કૃપા થકી સ્નાન કરવાની તક મળી હતી. તેમણે જણાવ્યુ છે કે, 144 વર્ષે યોજાતા આ પવિત્ર મહાકુંભ દ્વારા સમસ્ત હિન્દુ સમાજે જ્ઞાતિ-જાતિના વાડાઓ-ભેદભાવો ભૂલી એક બની મહાશક્તિનું મહાદર્શન કરાવ્યું છે. મહાકુંભનાં છેલ્લા દિવસે એટલે કે શિવરાત્રિના દિવસે તો અંતરિયાળ ગામથી માંડીને મહાનાગરો અને દેશ-વિદેશમાંથી કરોડો ભક્તો ઉમટ્યા હતા.