ટ્રમ્પે 538 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી: લશ્કરી વિમાન દ્વારા દેશનિકાલ કરાયા; મેક્સિકો બોર્ડર પર સૈનિકો તહેનાત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
- Advertisement -
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે મેક્સિકોના અખાત(ગલ્ફ ઓફ મેક્સિકો)નું નામ બદલીને અમેરિકાના અખાત(ગલ્ફ ઓફ અમેરિકા) રાખ્યું છે. આ સિવાય અલાસ્કામાં સ્થિત માઉન્ટ ડેનાલીનું નામ પણ બદલીને માઉન્ટ મેકકેનલી કરવામાં આવ્યું છે. તેમના નામ બદલવાની જાહેરાત અગાઉ ટ્રમ્પ દ્વારા તેમના ચૂંટણી વચનમાં કરવામાં આવી હતી.
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકામાં રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી વહીવટીતંત્રે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે શપથ લીધા બાદ પહેલા જ દિવસમાં 538 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે અત્યારસુધીમાં 538 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 373ની અટકાયત કરવામાં આવી છે અને કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. તેઓ બધા ગુનેગાર છે. તેમના પર બળાત્કાર, હત્યા અને અપહરણનો આરોપ છે. ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈતિહાસનું સૌથી મોટું દેશનિકાલ ઓપરેશન ચલાવી રહ્યું છે. ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે અને લશ્કરી વિમાન દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા છે, જોકે તેમને ક્યાં મોકલવામાં આવ્યા છે એની માહિતી આપવામાં આવી નથી.
ગેરકાયદે ઘૂસણખોરીને રોકવા માટે અમેરિકાએ મેક્સિકો સાથેની દક્ષિણ સરહદ પર 1500 સૈનિકો તહેનાત કર્યા છે. એમાં 500 મરીન કોપ્ર્સની સાથે 1000 સૈનિક સામેલ છે. વ્હાઇટ હાઉસે ટ્વિટર પર એનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં અમેરિકન ટેન્ક, હેલિકોપ્ટર અને સેનાના જવાનો સરહદ પર પહોંચતા જોઈ શકાય છે.
રિપોર્ટ અનુસાર, ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ઈંઈઊ) વોશિંગ્ટન ડીસી સહિત ઘણાં શહેરોમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પકડવા માટે દરોડા પાડી રહી છે અને મોટા પાયે ઇમિગ્રન્ટ્સની પૂછપરછ કરી રહી છે.
પ્રેસ સેક્રેટરીએ કહ્યું હતું કે ટ્રમ્પે ચૂંટણી પહેલાં જે વચનો આપ્યાં હતાં એ હવે પૂરાં થઈ રહ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દેશની સરહદોની સુરક્ષા માટે દરેક સંભવિત રીતે તેમની કાર્યકારી સત્તાનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ વિશ્વને સ્પષ્ટ સંદેશો મોકલી રહ્યા છે કે જો તમે ગેરકાયદે દેશમાં પ્રવેશવા અને અમેરિકન કાયદાઓ તોડવાનું વિચારશો તો તમારે પરિણામ ભોગવવાં પડશે.