સરકાર અને જવાબદાર તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા ગજઞઈં દ્વારા કમિશનરને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં કોલેજિયન વિદ્યાર્થીઓ અને યુવાનોને ડ્રગ્સ, ગાંજો, ચરસ વગેરે વ્યસનમાંથી છોડાવવા એનએસયુઆઈ મેદાને ઉતર્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત દારૂની સાથે સાથે ડ્રગ્સ, ચરસ, ગાંજો જેવા નશીલા પદાર્થોની હેરફેરમાં મોખરે આવી રહી છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા એનએસયુઆઈ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં અમદાવાદમાં 1.5 કરોડના ડ્રગ્સ સાથે 2ની ધરપકડ, રાજકોટમાં 400 કીલો ગાંજા સાથે આત્મિય કોલેજ 2 વિદ્યાર્થીઓ ઝડપાયા, વર્ષ 2019માં ડ્રગ્સની હેરફેર મામલે અનેક વિદેશીઓ સહિત 10થી વધુ લોકો પકડાયા, પોરબંદર નજીકના દરિયામાં ઈરાની શખ્સો સાથેની એક બોટમાંથી અધધ 4200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આજે સમગ્ર ગુજરાતના યુવાનો અને ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સ માફિયાઓના સકંજામાં આવી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં ડ્રગ્સના અનેક સપ્લાયરો કાર્યરત છે જે યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડાવી યુવાનોના ભવિષ્યને કાળા અંધકારમાં ધકેલી રહ્યા છે.
- Advertisement -
ગુજરાતની દરેક કોલેજની આસપાસ આ ડ્રગ માફિયાઓ પોતાનો છૂપો અડ્ડો સ્થાપીને બેસી ગયા છે. હાલ રાજકોટ, અમદાવાદ, સુરત વગેરે મહાનગરોમાં ડ્રગ સપ્લાયરોની આખી ટીમ એક વ્યવસ્થિત નેટવર્ક થકી પોતાના કાળા કામોને અંજામ આપી રહ્યા છે પણ સરકાર અને જવાબદાર તંત્ર આંખ આડા કામ કરી રહ્યું હોય તેમ આ માફિયાઓ બેફામ બની રહ્યા છે. જેના કારણે ગુજરાતના યુવાનોને ડ્રગ્સના નશામાંથી છોડાવવા ગુજરાત એનએસયુઆઈ દ્વારા ‘નો ડ્રગ્સ મુવમેન્ટ’ પણ શરૂ કરવામાં આવી છે. આ મુહિમથી સંપૂર્ણપણે આવા નશાના પદાર્થો ન વેચાય એના પાટે પહેલાં ગાંધી ચિંધ્યા માર્ગે તેનું આંદોલન ચાલી રહ્યું છે તેમ છતાં પણ સરકારની આંખ નહીં ખુલે તો આગામી દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.