ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવનુ નિધન થયું છે. પદ્મશ્રીથી સમ્માનિત જોરાવરસિંહ જાદવના નિધનથી ગુજરાતના સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. 85 વર્ષની વયે તેઓએ અંતિમ શ્ર્વાસ લીધા. તેઓ વાર્તાકાર તરીકે પ્રખ્યાત હતા અને ગ્રામજીવન પર આધારિત વાર્તાઓ લખી. તેમની નોંધપાત્ર કૃતિઓમાં ’મરદ કસુંબલ રંગ ચડે, મરદાઈ માથા સાટે’ (1970), ’લોકસાહિત્યની ચતુરાઈ કથાઓ’ (1974) અને ’રાજપૂત કથાઓ’ (1979)નો સમાવેશ થાય છે. લોકસાહિત્ય ક્ષેત્રે ગુજરાતના જાણીતા લેખક, સંશોધક અને સંપાદક અને રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. જોરાવરસિંહ જાદવ સાહિત્ય ક્ષેત્રે સંશોધક ઉપરાંત રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પણ હતા. તેમનો જન્મ ધંધૂકા તાલુકાના આકરુ ગામે થયો હતો. ગુજરાતી વિશ્ર્વકોષ મુજબ જોરાવરસિંહ જાદવે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બીએની ડિગ્રી મેળવી હતી અને પછી ભારતીય સંસ્કૃતિના વિષય સાથે એમએ થયા હતા. તેમની વાર્તાઓમાં ગ્રામ્ય જીવન કેન્દ્રસ્થાને રહી છે. તેમના નિધન વિશે માહિતી આપતા તેમના દીકરાએ જણાવ્યું કે, અમારા પિતા જોરાવરસિંહ દાનુભાઈ જાદવ (પદ્મશ્રી) નું આજે સવારે દુ:ખદ નિધન થયું છે. તેમની અંતિમયાત્રા આજે બપોરે 4.00 વાગ્યે નિવાસસ્થાનેથી નીકળી વી.એસ. સ્મશાનગૃહ જશે. તેમણે ભાતીગળ લોકકથાઓ અને મનોરંજક કથામાળા જેવા બાળવાર્તાઓનાં પુસ્તકો પણ લખ્યા હતા.
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર, વાર્તાકાર જોરાવરસિંહ જાદવનું નિધન, લોકકલા ક્ષેત્રનો એક તારો ખરી ગયો



