ગ્લોબલ વોર્મિંગ અને બ્રાઇન ઘટવાથી ઉત્પાદન ખર્ચ વધ્યો
અગરિયાઓએ ’ખેડૂતોની જેમ ટેકાના ભાવ અને પાક વીમો’ આપવા સરકારને કરી રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
અમદાવાદ/સુરેન્દ્રનગર: ગાંધીજીની દાંડીકૂચ સાથે જોડાયેલો ગુજરાતનો ગૌરવશાળી મીઠા ઉદ્યોગ આજે અનેક પડકારોના કારણે નામશેષ થવાના આરે પહોંચી ગયો છે. દેશના કુલ મીઠા ઉત્પાદનમાંથી 75% (2.25 કરોડ મે.ટન) ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જેમાંથી 25 લાખ મે.ટન એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં પાકે છે. જોકે, કચ્છના નાના રણમાં ભૂગર્ભ જળના તળ નીચે જવા અને ગ્લોબલ વોર્મિંગના કારણે અનિશ્ચિત વરસાદ થતાં બ્રાઇનનું પ્રમાણ ઘટી રહ્યું છે.
રણમાં ઉત્પાદન ખર્ચ વધવા અને દરિયાઈ મીઠું વધુ સફેદ તથા ચમકદાર હોવાથી ગ્રાહકો તેને જલ્દી અપનાવતા હોવાથી, વડાગરા મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાઓ માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. નિષ્ણાતોના મતે, આવનારા બે વર્ષમાં ગાંગડાવાળું મીઠું ભૂતકાળ બની શકે છે. તાજેતરમાં વરસાદ ખાબકતા અગરિયા પરિવારોને મોટું આર્થિક નુકસાન થતાં તેઓ પાયમાલ બન્યા છે. અગરિયાઓએ સરકાર સમક્ષ માંગ કરી છે કે, ખેડૂતોની જેમ તેમને પણ ટેકાના ભાવ અને ઉત્પાદન વીમો જાહેર કરવામાં આવે, જેથી કુદરતી આપદામાં નુકસાનથી બચી શકાય. સાથે જ રણમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા પણ અપીલ કરવામાં આવી છે.



