કચ્છમાં સૌથી વધુ કુલ 100 શાળામાં એક જ શિક્ષક
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યુ છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગે જ કબૂલાત કરી છેકે, વિકસીત-વાઇબ્રન્ટ ગુજરાતમાં 700 સરકારી પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક છે. એક શાળામાં બધાય વિદ્યાર્થીઓને એક શિક્ષક કેવી રીતે ભણાવતા હશે , વિદ્યાર્થીઓ કેવુ ભણતર મેળવતા હશે તેની કલ્પના કરવી રહી. ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની સ્થિતી કથળી રહી છે. પુરતા શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વ્યાપક અસર થઇ રહી છે તેમ છતાંય શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢુ રહ્યુ છે.
ભણે ગુજરાતના નારાં પોકારીને પ્રવેશોત્સવના તાયફા કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને સિધ્ધી ગણાવાઇ રહી છે પણ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવશે કોણ તે અંગે સરકાર વિચાર જ કરી રહી નથી પરિણામે એવી સ્થિતી સર્જાઇ કે, ગુજરાતમાં 700 પ્રાથમિક સરકારી શાળાઓ એવી છે જયાં માત્રને માત્ર એક જ શિક્ષક છે.