ગુજરાતી ફેમસ સિંગર કિંજલ દવે સામે સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ જાહેર કરતા કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. હવેથી કિંજલ દવે નહીં ગાઇ શકે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત.
સેશન્સ કોર્ટે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાવા પર પ્રતિબંધ મૂક્યો છે. આથી કિંજલ દવે હવેથી ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દઉં’ ગીત નહીં ગાઇ શકે. ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટ દ્વારા કિંજલ દવે સામે હુકમ કરવામાં આવ્યો છે. ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ તેને ન વેચવાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
- Advertisement -
નોંધનીય છે કે, કિંજલ દવે સામે આ ગીતને મુદ્દે કોપીરાઈટની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આથી સેશન્સ કોર્ટે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા કોપીરાઇટ કેસમાં કોર્ટ કોઇ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી લાઇવ કોન્સર્ટમાં પણ આ ગીત ગાવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાણો શું હતો સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવેએ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય.
- Advertisement -
લાઇવ કોન્સર્ટમાં પણ કિંજલ દવે નહીં ગાઇ શકે આ ગીત
તમને જણાવી દઇએ કે, કિંજલ દવેએ ગીતમાં સામાન્ય ફેરફાર કરીને ‘ચાર ચાર બંગડીવાળી’ ગીતની નકલ કરી હતી. આથી કિંજલ દવેને નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ 23 સપ્ટેમ્બર 2022ના રોજ કેસની સુનાવણીમાં કિંજલ દવે કોર્ટ સમક્ષ હાજર ન હોતી થઇ. કોર્ટે નોંધ્યું છે કે, કાર્તિક પટેલે કાઠિયાવાડી કિંગ્સ ચેનલ પર આ ગીત અગાઉ અપલોડ કર્યું હતું. આથી ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટે કિંજલ દવે સામે હુકમ જાહેર કરતા ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાવા પર તેમજ ગીતની સીડી કે કેસેટના રૂપમાં તેને વેચવા પર તેમજ કોપીરાઇટ કેસમાં કોર્ટ કોઇ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી લાઇવ કોન્સર્ટમાં પણ આ ગીત ગાવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.