ઈ-મેગેઝિને ગુજરાતી ભાષાના સામયિકોનું અસ્તિત્વ ટકાવી રાખ્યું
– ભવ્ય રાવલ
સામયિકો : નિયત સમયે પ્રકાશિત થતાં પત્રો. સાર્થ ગૂજરાતી જોડણીકોશે સામયિક એટલે નિયતકાલીન / નિયત સમયે પ્રકટ થતું છાપું એવી વ્યાખ્યા કરી છે. અંગ્રેજીમાં તેને મેગેઝિન અથવા પિરિયોડિકલ કહે છે. એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકામાં મેગેઝિન અથવા પિરિયોડિકલની વ્યાખ્યા નિબંધ, લેખ, વાર્તા, કવિતા વગેરેના પ્રકાશિત સંગ્રહ એ રીતે આપવામાં આવી છે તો કોલંબિયા એનસાઇક્લોપીડિયાની વ્યાખ્યા પ્રમાણે સામયિકોનો હેતુ કળા, સાહિત્ય વિશે પ્રકાશન કરવાનો હોય છે અથવા પ્રમાણમાં ઓછા જાણીતા લેખકો દ્વારા સામાજિક વિષયો ઉપર લખવામાં આવતું હોય તે પ્રકાશન. આપણે ત્યાં સામયિકને મેગેઝિન પણ કહેવાય છે અને તેના પ્રકાશન સમયગાળા અનુસાર તે સાપ્તાહિક, માસિક, ત્રિ-માસિક વગેરે તરીકે ઓળખાય છે.
ગુજરાતી પત્રકારત્વના શરૂઆતના સમયગાળામાં સામયિકોના કોઈ ચોક્કસ પ્રકાર કે વિષય નહતા. અલબત્ત ત્યારે અખબારો પણ અર્ધ સાપ્તાહિક, સાપ્તાહિક, અર્ધ માસિક કે માસિક સમયગાળામાં પ્રગટ થતા હોવાથી તેમની ગણના સામયિકોમાં થતી, આજે પણ કેટલાંક જૂના અખબારોને સામયિકો તરીકે ઓળખવામાં આવે છે. એ સમયના સામયિકો નિયતકાલીન અથવા અનિયતકાલીન હતા જેમાં સમાચાર, સંસ્થા, મંડળ કે જ્ઞાતિને લગતી બાબતો અને થોડીઘણી સાહિત્યિક સામગ્રીઓ છપાતી. સમય પસાર થતા ગુજરાતી પત્રકારત્વના વિકાસ સાથે સામયિકોમાં વૈવિધ્ય આવતું ગયું. સામાન્ય રીતે સાપ્તાહિક, અર્ધ માસિક કે માસિક સ્વરૂપે પ્રગટ થતા સામયિકો નિયમિત સાપ્તાહિક ઉપરાંત અર્ધસાપ્તાહિક, પખવાડિક – અર્ધમાસિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક, છ-માસિક તેમજ વાર્ષિક અંક સ્વરૂપે પ્રકાશિત થવાં લાગ્યા. સામયિકો તેના પ્રકાશન સમયગાળા મુજબ સાપ્તાહિક અને માસિકના નામે પણ ઓળખાવવા લાગ્યા.
- Advertisement -
ગુજરાતી પત્રકારત્વનું સૌથી જૂનું સામયિક બુદ્ધિપ્રકાશ છે. 1850માં તેની શરૂઆત થઈ હતી. આ સિવાય સત્યપ્રકાશ (1855), ગુજરાતી શાળાપત્ર (1862), ડાંડિયો (1864), ગુજરાતી (1880), પ્રિયવંદા (1885), સુદર્શન (1890), જ્ઞાનસુધા (1892), સમાલોચક (1896), વસંત (1902), સાહિત્ય (1913), વીસમી સદી (1916), નવજીવન (1919), ચેતન (1920), નવચેતન (1922), ગુજરાત (1922), કૌમુદી (1924), કુમાર (1924), પ્રસ્થાન (1926), માનસી (1935), રેખા (1939), સંસ્કૃતિ (1947), અખંડઆંનંદ (1947), રમકડું (1949), મિલાપ (1950) વગેરે.. વગેરે.. સામયિકો ગુજરાતી પત્રકારત્વના પ્રારંભિકકાળથી પ્રકાશિત થતા આવ્યા હતા.
સ્ત્રીઓ માટેનું સૌ પ્રથમ સામયિક સ્ત્રી-બોધ છે. તેની શરૂઆત 1857માં થઈ હતી. સ્ત્રી મિત્ર સામયિક મુંબઈની પારસી મહિલાઓએ શરૂ કરાવ્યું હતું. આ ઉપરાંત સ્ત્રી જ્ઞાનદીપક (1867), સ્ત્રીસદબોધરત્ન (1882) વગેરે સ્ત્રીઓ માટેના સામયિક શરૂ થયેલા જેમાં સ્ત્રીસદબોધરત્ન મહિલાઓ માટે મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલું સૌ પ્રથમ ગુજરાતી સામયિક છે. પ્રિયવંદા સ્ત્રી જાગૃતિની ચર્ચા કરતું ગુજરાતી ભાષાનું બીજું સામયિક બન્યું હતું. સુંદરીબોધ, સમાજસુધારણા, સ્ત્રી ઉન્નતી નામના ત્રણ સામયિકની સ્થાપના સ્ત્રીઓને લખવાની તક મળે તે હેતુસર કરવામાં આવી હતી. સ્ત્રી હિતોપદેશ, વનિતા, વિજ્ઞાન, ગુલશન, ગુણસુંદરી, સ્ત્રી જીવન વગેરે.. વગેરે.. માત્ર મહિલા વિષયક સામયિકો બહાર પડતા હતા. ગુજરાતી પત્રકારત્વના પ્રારંભની એક સદી બાદ આશરે 1920 આસપાસ બાલ સામયિકોની શરૂઆત થઈ હતી. બાલમિત્ર, બાલજીવન, બાળક, ગાંડીવ, બાલવાડી, બાલજગત, ચક્રમ, બાલદક્ષિણા, શિશુમંગલ, ચાંદામામા, ઝગમગ વગેરે બાલ માસિકો આજથી વર્ષો-દસકો અગાઉ બહાર પડવાના શરૂ થયા હતા.
ગુજરાતી પત્રકારત્વના વિકાસ સાથે સામયિકોમાં વૈવિધ્ય આવ્યું
વીસમી સદીની શરૂઆતથી ગુજરાતી ભાષાના સામયિકોમાં પ્રકાશન, મુદ્રણ સહિત તેના વિષયમાં પણ વૈવિધ્ય આવ્યું, એક સદી પૂર્વેથી ગુજરાતી પત્રકારત્વમાં ચોક્કસ વિષયને અનુરૂપ સામયિકો પ્રગટ થવાનું ચલણ વધ્યું હતું.
ગુજરાતી પત્રકારત્વમાં વિવિધ વિષયો આવરી લેતા સામયિકો સિવાય કોઈ એક ચોક્કસ વિષય પર પણ સામયિકો પ્રકાશિત થતા આવ્યા છે અને થઈ રહ્યા છે. જેમ કે, વાર્તા, કવિતા, લઘુકથા, નાટકના સામયિકો. ગદ્ય અને પદ્યને સમાવી લેતા સામયિકો તેમજ માત્ર જ્ઞાન-વિજ્ઞાનના વિષય આધારિત સામયિકો, મહિલાઓ અને બાળકો માટેના સામયિકો વગેરે.. વગેરે..
- Advertisement -
આજે ગુજરાતી ભાષાના સામયિકો ગુજરાત સહિત મુંબઈથી લઈ દુનિયા આખીમાંથી પ્રગટ થાય છે. વિવિધ અખબારી જૂથ ઉપરાંત સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, સહકારી, ખાનગી સંસ્થાઓ, નાના-મોટા મંડળો સામયિકો પ્રકાશિત કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ માહિતીલક્ષી સામયિકોનું પ્રકાશન કરે છે. અને હા, ઈ-મેગેઝિન કેમ ભૂલી શકાય? ગુજરાતી ભાષામાં અસંખ્ય ઈ-મેગેઝિન પબ્લીશ થાય છે જેણે ગુજરાતી પત્રકારત્વમાં સામયિકોનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. પ્રિન્ટ મીડિયાના મોંઘાદાટ સામયિકો ડિજીટલ મીડિયામાં ઈ-મેગેઝિન રૂપે મફતમાં મળી રહે છે.
વીસમી સદીની શરૂઆતથી ગુજરાતી ભાષાના સામયિકોમાં પ્રકાશન, મુદ્રણ સહિત તેના વિષયમાં પણ વૈવિધ્ય આવ્યું. એક સદી પૂર્વેથી ગુજરાતી પત્રકારત્વમાં ચોક્કસ વિષયને અનુરૂપ સામયિકો પ્રગટ થવાનું ચલણ વધ્યું હતું. આઝાદી બાદ સાહિત્ય, શિક્ષણ, વેપાર, અર્થકારણ, ધર્મ, ચિંતન, રમતગમત, સ્ત્રી, બાળ, આરોગ્ય વગેરે વિષયનાં અસંખ્ય સામયિકો ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થવા લાગ્યા હતા. જે પરિવાર દ્વારા સામયિકોનું વાર્ષિક કે આજીવન લવાજમ ભરવામાં આવતું, જે ઘરમાં સામયિકોમાં આવતા, સમાજમાં તે ઘર-પરિવારની ગણના શિક્ષિત-સંસ્કારી તરીકે થવા લાગી હતી. અખબારો કરતા સામયિકોનો ફેલાવો વધુ થઈ ગયો હતો. અખબારો કરતા સામયિકોનું મહત્વ અને કદ વધવા લાગ્યું હતું.
અખબારો સમાજજીવનને મુખ્યત્વે સપાટી પરથી પ્રતિબિંબત કરે છે તો સામયિક સમાજજીવનને સપાટીથી લઈને તળિયા સુધી તાગે છે. આ કારણોસર એક તબક્કે અખબારો કરતા સામયિકોનો વાંચકવર્ગ વધુ હતો પરંતુ એકવીસમી સદીના આગમન સુધીમાં સામયિકોની અસર અને માંગમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો. ગુજરાતી પત્રકારત્વની બીજી સદીની પૂર્ણાહુતી થવાના થોડા દસકો પહેલાથી વિવિધ વિષયોને આવરી લેતી જે વાંચન સામગ્રી સામયિકોમાં પ્રકાશિત થતી હતી તે વાંચન સામગ્રી અખબારો દ્વારા દરરોજ પૂર્તિ સ્વરૂપે આપવાનું શરૂ થયું. ધીમેધીમે સામયિકોમાં કામ કરતા મોટાભાગના તંત્રી, સંપાદકો, લેખકો, પત્રકારો અખબારોની પૂર્તિ તરફ વળ્યા, અઠવાડિયે-પંદર દિવસે કે મહિને આવતા સામયિકોનો વાંચક વર્ગ સીમિત બનતો ગયો, રોજેરોજ આવતી પૂર્તિનો વાંચક વર્ગ વધતો ગયો અને આમ ગુજરાતી ભાષાના એક પછી એક અંસખ્ય સામયિકો બંધ થતા ગયા, ગુજરાતી પત્રકારત્વમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ સામયિકો બચ્યા.
વર્તમાનમાં સાહિત્ય, શિક્ષણ, સંસ્કાર, સ્ત્રી, સિનેમા, બાળક, ધર્મ, વેપાર, આરોગ્ય, ખાનપાન, મનોરંજન, રાજકારણ, મુલાકાત, પ્રવાસ જેવા વિવિધ વિષયોને આવરી લેતા બે સામયિકો ચિત્રલેખા અને અભિયાન ગુજરાતી પત્રકારત્વમાં મોખરે છે. આ સિવાય કેટલાંક ગુજરાતી ભાષા – પત્રકારત્વના જાણીતાં અને અજાણ્યા, ચાલુ અને બંધ ચૂનીંદા સામયિકોના નામ આ મુજબ છે. સફારી, સાધના, ફીલિંગ્સ, નવચેતન, નવનીત સમર્પણ, અખંડઆનંદ, પરબ, શબ્દશ્રુષ્ટિ, કવિલોક, ફાર્બસ ગુજરાતી સભા, સમણું, અક્ષરી, અસ્મિતા, રુચિ, વસંત, મમતા, ભૂમિપુત્ર, કંકાવટી, વિચારવલોણું, સમુદગાર, શહીદે ગઝલ, છાલક, સાયબર સફર, ગઝલ વિશ્વ, સંઘર્ષ, આનંદ ઉપવન, અર્થ સંકલન, આર્થિક વિકાસ, ગુજરાત માર્કેટ, વ્યાપાર, શ્રી માધ્યમિક સંદેશ, પ્રગતિશીલ શિક્ષણ, અચલા, ગૃહશોભા, માવતર, સ્ત્રી, સખી, સ્ત્રીજીવન, સૌજન્ય માધુરી, ચંદન, ચંપક, ચાંદાપોળી, ચાંદામામા, બુલબુલ, બાલરંજન, ટીનટીન, સહજ બાલઆનંદ, ફૂલવાડી, પદ્ય, પરબ, શબ્દસૃષ્ટિ, ઉદ્દેશ, કવિતા, શબ્દસર, ખેવના, તાદર્થ, સમીપે, તથાગત, તથાપિ, ધબક, વલો કચ્છડો, એતદ્, કવિલોક, કોડિયું, કુમાર, હયાતી, નાટક, નાન્દીકાર, કલ્યાણયાત્રા, ગાયત્રીવિજ્ઞાન, જનકલ્યાણ, ધર્મધારા, રામકૃષ્ણ જ્યોત, ગીતાધર્મ, વિશ્વ હિન્દુ સમાચાર, પ્રબુદ્ધ જીવન, અંતરધારા, અક્રમ વિજ્ઞાન, યુગશક્તિ ગાયત્રી, વિશ્વ વાત્સલ્ય, સ્વામિનારાયણ સંપ્રદાય, જલારામ દીપ, સદવિદ્યા, ઓશો ટાઈમ્સ, નિરીક્ષક, બુદ્ધિપ્રકાશ, ભૂમિપુત્ર, નયા માર્ગ, અર્થાત્, વિશ્લેષણ, માનવ, પ્રત્યક્ષ, પ્રવાસી, સર્વોદય, કૃતિ, સંવેદન, સેતુ વગેરે.. વગેરે.. શબ્દ અને સમયની મર્યાદાના કારણે કોઈ સામયિકનું નામ ચૂકી ગયું હોય તેવું બને, ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રાની સફરમાં આવતા વખતે સાહિત્યિક સામયિકો વિશે વાત…
વધારો : ગુજરાતી પત્રકારત્વની 200 વર્ષની યાત્રા બાદ આજે માત્ર આર્ટ, કોમેડી, ફેશન, ફિલ્મ, ફૂડ કે સ્પોર્ટ્સનાં વિવિધ પાસાંને આવરી લેતું હોય તેવું કોઈ વિશેષ સામયિક ગુજરાતી વાંચકો પાસે નથી. ફક્ત આર્ટ, કોમેડી, ફેશન, ફિલ્મ, ફૂડ કે સ્પોર્ટ્સ જેવા વિષયોના વિવિધ પાસાંઓને આવરી લેતા સામયિક માટે ગુજરાતી પત્રકારત્વમાં બહોળો અવકાશ છે.