આજે CSK vs KKRની ટક્કર
ભારતીય ક્રિકેટને ઉંચી કિંમત અને નવી ઓળખ અપાવનારી ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ) આજથી 10 ટીમો સાથે સ્વદેશમાં પોતાનો ‘કલર’ બતાવવા માટે તૈયાર છે. આજે સાંજે 7:30 વાગ્યાથી ગત ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સ અને પાછલા વર્ષની રનર્સઅપ કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચેના મુકાબલાથી ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. એકદંરે આ ટીમ આઈપીએલની જૂની ટીમ છે પરંતુ બન્ને ટીમના કેપ્ટન નવા હોવાથી મેચ રોમાંચક બની રહેવાની સંભાવના છે. મહેન્દ્રસિંહ ધોનીએ ભલે ચેન્નાઈ સુપરકિંગ્સની કમાન રવીન્દ્ર જાડેજાને સોંપી દીધી હોય પરંતુ ચેક એન્ડ મેટની રમત પૂર્વ કેપ્ટનના ઈશારે જ રમાશે.
- Advertisement -
જાડેજા આજે ધોનીની ચાલ પર જ આઈપીએલ-15માં કોલકત્તા વિરુદ્ધ પોતાની પહેલી બાજી જીતવા માટે મેદાને ઉતરશે. આ સાથે જ 10 ટીમો વચ્ચે આજથી 65 દિવસ સુધી ક્રિકેટના ધૂમધડાકા સાંભળવા મળશે. 2011 બાદ એવું પહેલી વખત બનશે જ્યારે વિશ્ર્વ ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટી-20 ટ્રોફી માટે 10 ટીમો ટકરાશે. આ વખતે લખનૌ સુપરજાયન્ટસ અને ગુજરાત ટાઈટન્સના રૂપમાં બે નવી ટીમ આઈપીએલમાં પર્દાપણ કરશે. આઈપીએલની તમામ મેચ ભારતમાં રમાશે અને સ્ટેડિયમની 25% ક્ષમતાના હિસાબથી દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે. પ્રત્યેક ટીમ ગ્રુપની બીજી ટીમો સામે બે મેચ રમશે અને બીજા ગ્રુપની એક ટીમ સાથે બે મેચ રમશે અને એ ગ્રુપની બાકીની ટીમો સાથે એક મેચ રમશે.
રાજકોટના RJ પણ આપશે ગુજરાતી કોમેન્ટરી
હોટસ્ટાર દ્વારા આ વર્ષની સીઝનથી ગુજરાતી કોમેન્ટરી પણ ઉમેરવામાં આવી હોવાથી ગુજ્જુ ક્રિકેટરસિકોને આઈપીએલમાં નવો જ તડકો જોવા મળશે. રાજકોટના આર.જે.આકાશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હોટસ્ટાર દ્વારા ગુજરાતીમાં કોમેન્ટરી આપવા માટે નયન મોંગીયા, ઈરફાન પઠાણ સહિતના દિગ્ગજોની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આર.જે.પણ ગુજરાતીમાં કોમેન્ટરી આપવા તે માટે મારા ઉપરાંત અમદાવાદના આર.જે.ધ્વનિત અને બરોડાના આર.જે.મનન દેસાઈની પસંદગી કરાઈ છે. આ માટે અમે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટની ભાષાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને હવે અમે કોમેન્ટરી આપવા માટે તૈયાર થઈ ગયા છીએ.
- Advertisement -
1.65 દિવસ સુધી 10 ટીમો વચ્ચે રમાશે 74 મુકાબલા
2.70 લીગ મેચ આજથી 22 મે સુધી ચાલશે; ફાઈનલ 29 મેએ રમાશે
3.આજે પહેલી બાજી જીતવા ઉતરશે કેપ્ટન જાડેજા
4.પહેલીવાર ધોની કેપ્ટન તરીકે નહીં ખેલાડી તરીકે ઉતરશે મેદાને
5.ત્રણ વર્ષ બાદ ક્રિકેટરસિકો પહેલીવખત સ્ટેડિયમમાં બેસીને જોઈ શકશે મેચ: સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ