મેળામાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝલક જોવા મળશે અઘોરી ગૃપ સહિત અન્ય કલાકારોનું રોજ રાત્રે પર્ફોર્મન્સ
238માંથી હજુ 143 પ્લોટ ખાલી, આજે સ્ટોલના ફોર્મ જમા કરાવવાનો છેલ્લો દિવસ
લોકમેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાવવા માટે તેમને આમંત્રણ આપવાની તૈયારીઓ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ લોકમેળાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી તૈયારી શરૂ કરી દેવાઈ છે. તા. 14થી 18 ઓગસ્ટ સુધી આ લોકમેળો રેસકોર્સમાં યોજાશે. કલેકટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ સિટી પ્રાંત-1 ડો. ચાંદની પરમાર સહિતના સ્ટાફ દ્વારા હરાજીની પ્રક્રિયા બાદ સ્ટોલધારકોને ફોટા સાથેનો એલોટમેન્ટ લેટર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
કલેક્ટર ડો.ઓમ પ્રકાશે આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાશે. જેમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, પહેરવેશની ઝલક જોવા મળશે. જેમાં અઘોરી ગૃપ, કચ્છીઓનું ગૃપ પણ જોડાશે. રોજ રાત્રે આ પર્ફોમન્સ પણ જોવા મળશે. જેમાં અલગ અલગ કલાકારો લોકોને મનોરંજન પુરૂ પાડશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, મેળામાં કુલ 238 પ્લોટમાંથી 143 પ્લોટ ખાલી છે. જ્યારે ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે. જો આ પ્લોટ નહીં ભરાય તો સરકારી સંસ્થાઓને પ્લોટની ફાળવણી કરાશે જેમાં જનજાગૃતિના ટેબ્લો મુકાશે.
આ વર્ષે મંડપનું ટેન્ડર રૂ.87 લાખમાં ફાઈનલ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ મંડપના ટેન્ડરમાં રૂ.75 હજારની રકમ વધુ ઉપજી છે અને સાત ટકા ઊંચું ટેન્ડર આપવામાં આવ્યું છે.તેવી જ રીતે સિવિલ વર્ક ગ્રાઉન્ડના લેવલિંગનું ટેન્ડર રૂ.18 લાખમાં અપાયું છે.
આ સિવાય લોકમેળામાં સ્વચ્છતા જળવાઈ તે માટે રાઉન્ડ ધી ક્લોક સફાઈ કરવામાં આવશે અને બે ડઝનથી વધુ કચરાપેટી મૂકવામાં આવશે. લોકમેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાવવા માટે તેમને આમંત્રણ આપવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
લોકમેળામાં સુરક્ષા વ્યવસ્થા
લોકમેળામાં 13 થી 15 લાખની જનમેદની ઊમટી પડતી હોય છે અને દૈનિક 2 લાખથી વધુ મુલાકાતીઓ આવતા હોય છે, ત્યારે તેમની સુરક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન રખાયું છે.
આરોગ્ય અને સલામતી: ફાયર અને એમ્બ્યુલન્સની ટીમો રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે.
નિરીક્ષણ: સીસીટીવી કેમેરા દ્વારા મેળા પર સતત વોચ રાખવામાં આવશે.
કંટ્રોલ રૂમ: કલેક્ટર, કોર્પોરેશન, પીજીવીસીએલ અને પોલીસ વિભાગના મળીને કુલ 4 કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.
સુરક્ષા ટાવર: સુરક્ષા માટે 24 વોચ ટાવર ગોઠવવામાં આવ્યા છે.
કર્મચારી તૈનાતી: હાલના તબક્કે 100થી વધુ રેવન્યુ કર્મચારીઓ અને અધિકારીઓને ફરજમાં તૈનાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અઠવાડિયામાં 2 વખત યોજાતું મહેસૂલી બોર્ડ હવે 3 વખત યોજાશે
- Advertisement -
જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, મહેસૂલ કેસના નિકાલ માટે અઠવાડિયામાં 2 વખત યોજાતું મહેસૂલી બોર્ડ હવેથી 3 વખત યોજાશે. અત્યાર સુધી બુધવાર અને ગુરૂવારે થતું હતું જ્યારે હવે બુધ, ગુરૂ અને શનિવારે પણ શરૂ કરાશે જેથી કેસનો ઝડપથી નિકાલ થાય.