ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મીટિંગમાં થયેલી ચર્ચા મુજબ, મહામંડળે કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે.
મહામંડળ દ્વારા શિક્ષણમંત્રી અને કમિશનર, શાળાઓની કચેરી, ગાંધીનગરને સંબોધવામાં આવેલી રજૂઆતમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ફિક્સ પગારમાં નિમણૂક પામેલા કર્મચારીઓની નિવૃત્તિ સમયે 300 રજાનું રોકડમાં રૂપાંતર કરવા બાબત તથા લાંબા સમયથી પ્રતીક્ષિત આ માંગણી ફિક્સ પગારના કર્મચારીઓ માટે નિવૃત્તિ સમયે આર્થિક સુરક્ષા પૂરી પાડશે તેવી અપેક્ષા છે. ફાજલ ના રક્ષણના પરિપત્રમાંથી 120 દિવસની મર્યાદા દૂર કરવા બાબત તેમજ આ મુદ્દો શિક્ષકોના રક્ષણ સાથે સંબંધિત છે અને કાયદાકીય જોગવાઈઓમાં સુધારાની માંગ કરે હતી. ફિક્સ પગારમાં નિમણૂક પામેલા કર્મચારીઓની પાંચ વર્ષમાં નહીં વપરાયેલી મેડિકલ રજાઓ સર્વિસ બુકમાં જમા કરવાનો મુદ્દો અને આ માંગણી શિક્ષકોને તેમની મેડિકલ રજાઓનો યોગ્ય લાભ મળી રહે તે સુનિશ્ચિત કરશે.ધોરણ 9 થી 12 સળંગ એકમ ધરાવતી શાળામાં 2 નો રેશિયો યથાવત રાખવા બાબત આ મુદ્દો શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના ગુણોત્તર (રેશિયો) જાળવી રાખવા સાથે સંબંધિત છે, જે શિક્ષણની ગુણવત્તા માટે મહત્ત્વપૂર્ણ છે. શિક્ષકો પર થતી બિનજરૂરી એફઆઈઆર અને હુમલા અંગે ગંભીરતાથી વિચારવા બાબત: શિક્ષકોની સુરક્ષા અને કાર્યસ્થળ પરના વાતાવરણને સુધારવા માટે આ એક અતિ મહત્ત્વપૂર્ણ માંગણી છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ, મહામંત્રી, કોષાધ્યક્ષ અને અધ્યક્ષ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. તેમણે ઉપરોક્ત મુદ્દાઓની દરખાસ્ત તૈયાર કરી હકારાત્મક નિર્ણય કરવા અમારી સૌની લાગણી અને માંગણી હોવાનું જણાવ્યું છે. મહામંડળે સહકારની અપેક્ષા સાથે આશા વ્યક્ત કરી છે કે સરકાર આ મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક વિચારણા કરી સકારાત્મક પગલાં ભરશે.
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પડતર પ્રશ્ર્નોની રજૂઆત
