2024માં 22.74 લાખ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી: ગત વર્ષ કરતા 8.89%નો વધારો
વૈશ્ર્વિક ફલક પર ગુજરાત પ્રવાસને નવી ઊંચાઇઓ હાંસલ કરી
- Advertisement -
વિદેશીઓમાં સૌથી વધુ હેરિટેજ સ્થળો, ગીર અને કચ્છના રણનું આકર્ષણ
દેશમાં આવેલા કુલ વિદેશી પ્રવાસીમાંથી 10.86 ટકા પ્રવાસીઓએ ગુજરાત પસંદ કર્યું
પર્યટકોને આકર્ષવામાં દેશમાં પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર, બીજા નંબરે પશ્ર્ચિમ બંગાળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વદેશી પર્યટકો માટે ગુજરાત સતત આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પર્યટન ક્ષેત્રે રાજ્યએ વૈશ્વિક ફલક પર પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઇન્ડિયા ટુરિઝમ ડેટા કમ્પેન્ડિયમ-2025 અનુસાર, વર્ષ 2024 દરમિયાન ગુજરાત દેશમાં વિદેશી પ્રવાસીઓ દ્વારા ત્રીજા ક્રમે સૌથી વધુ મુલાકાત લેવાયેલું રાજ્ય બન્યું છે. અહેવાલ મુજબ, 2024માં દેશમાં કુલ 2 કરોડ 5 લાખ 70 હજાર વિદેશી પર્યટકો આવ્યા હતા, જે અગાઉના વર્ષની સરખામણીમાં 8.89 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન વિદેશી પ્રવાસીઓની મુલાકાત માટેના ટોચના પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ
થાય છે.
મહારાષ્ટ્રે 37 લાખ વિદેશી પ્રવાસીઓ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળ 31 લાખ સાથે બીજા ક્રમે છે. ગુજરાતે 22.74 લાખ વિદેશી પ્રવાસીઓની મુલાકાત સાથે ત્રીજો ક્રમ મેળવ્યો છે, જે ઉત્તર પ્રદેશ 22.6 લાખ અને રાજસ્થાન 20.7 લાખ કરતા થોડું આગળ છે.
ગુજરાતના પર્યટન આકર્ષણોમાં અમદાવાદનું વર્લ્ડ હેરિટેજ સિટી અને તેનું 600 વર્ષ જૂનું ઐતિહાસિક વારસું, સાસણ ગીરના જંગલો, કચ્છનું રણ તેમજ ધોળાવીરાનું હેરિટેજ ટૂરિઝમ વિશેષ સ્થાન ધરાવે છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોની વધતી આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટી પણ વિદેશી પર્યટકો માટે ગુજરાતને વધુ સુલભ બનાવે છે. આ ઉપરાંત, એનઆરઆઈઓ પરિવાર મુલાકાત દરમિયાન પર્યટન સ્થળોની મુલાકાત લેતા હોય છે તેમજ રાજ્યમાં કાર્યરત મોટા કોર્પોરેટ હાઉસના કારણે વિદેશી કર્મચારીઓ પણ ગુજરાતના પર્યટન સ્થળો જોવા ઉત્સુક
રહે છે.
અહેવાલ મુજબ, 2024માં દેશમાં આવેલા કુલ વિદેશી પર્યટકોમાંથી 10.86 ટકા પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી, જ્યારે ડોમેસ્ટિક ટૂરિઝમમાં ગુજરાતનું યોગદાન અંદાજે 7 ટકા નોંધાયું છે.



