ગુજરાતના 11 શહેરોમાં બે તબક્કાઓમાં મેચ રમાશે
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.)ના પ્રેસીડેન્ટ પરિમલ નથવાણીએ સૌ પ્રથમવાર આયોજિત ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓ માટેની ત્રણ કેટેગરીની જી.એસ.એફ.એ. કલબ ચેમ્પિયનશીપની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટની મેચો આવતીકાલથી શરૂ થશે.
જે બે તબક્કાઓમાં રમાશે તથા ત્રણ મહિના સુધી ચાલશે.દરેક કેટેગરીમાં પ્રથમ તબક્કામાં ટીમોને અલગ અલગ ગ્રુપોમાં વિભાજિત કરાશે, જે ગ્રુપની અન્ય ટીમો સાથે બે મેચો રમશે, એક પોતાના નગરમાં અને એક અન્ય નગરમાં. મેચો શનિવાર અને રવિવારના દિવસોમાં યોજાશે. ગુજરાતમાં 11 શહેરોમાં કુલ 106 આવી મેચો રમાશે. આ 11 શહેરો છે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, અંકલેશ્ર્વર, વાપી, ગોધરા, દાંતીવાડા અને આણંદ.ટુર્નામેન્ટમાં કુલ 33 ટીમો ભાગ લઈ રહી છે અને તેમાં 990 ફૂટબોલ ખેલાડીઓ રમશે. સિનિયર કેટેગરીમાં 17, જૂનિયર કેટેગરીમાં 9 અને સબ-જુનિયર કેટેગરીમાં 7 ટીમો ભાગ લઈ રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ભાવનગરે ત્રણેય કેટેગરીઓમાં ભાગ લીધો છે. જ્યારે ગાંધીનગર, આણંદ, સુરત અને ભરૂચે બે કેટેગરીઓમાં તથા જામનગર, ગોધરા, બનાસકાંઠા અને વાપીએ એક કેટેગરીમાં ભાગ લીધો છે. બધી ટીમોને 30 ખેલાડીઓની કુમકમાં 3 વિદેશી ખેલાડીઓને રજિસ્ટર કરવા દેવામાં આવશે.સિનિયર ક્લબ ચેમ્પિયનશીપમાં જી.એસ.એફ.એ. સંલગ્ન કલબો-ટીમો ભાગ લઈ શકશે. મેચના દિવસે 30માંથી 20 ખેલાડીઓ પસંદ થઈ શકશે. સિનિયર કેટેગરીમાં દરેક ટીમમાં 20 વર્ષથી નીચેના (2003-2004માં જન્મ્યા હોય તેવા) ઓછામાં ઓછા પાંચ ખેલાડીઓ અનિવાર્ય રહેશે અને મેચ દરમિયાન આ પાંચમાંથી ત્રણનું મેદાનમાં હોવું અનિવાર્ય રહેશે.
- Advertisement -
વધુમાં નથવાણીએ કહ્યું હતું કે કલબ ચેમ્પિયનશીપના આયોજનનો લાભ એ થશે કે ખેલાડીઓને રમવાનો વધુ સમય મળશે, જી.એસ.એફ.એ.ને નવી પ્રતિભાઓ શોધવાની તક મળશે જેમને ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે રમવા માટે તાલિમબદ્ધ કરી શકાશે. જી.એસ.એફ.એ. કલબ ચેમ્પિયનશીપની પહેલ એ.આઈ.એફ.એફ.ની દેશમાં કલબ કલ્ચર થકી ફૂટબોલનો વિકાસ કરવાની નીતિને સુસંગત પણ છે.
યુરોપ અને અન્ય ફૂટબોલ રમતાં દેશોમાં આ રીતે જ ફૂટબોલની રમત વિકસી છે તેમ પણ તેમણે જણાવ્યું.


