-2022 માં નિવૃત થયેલા પૂર્વ સચિવ અનિતા કરવલને ફરી ગુજરાતમાં ડયુટી સોંપાઈ
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)ના ચેરમેનપદેથી ગત નવેમ્બરમાં નિવૃત આઈએએસ ઓફીસર અમરજીતસિંઘ નિવૃત થયા બાદ ખાલી રહેલી જગ્યા પર 7 માસ પછી 1988 બેચના ગુજરાત કેડરના નિવૃત આઈએએસ ઓફીસર અનિતા કરવલની નિયુકિત કરવામાં આવી છે.
- Advertisement -
અનિતા કરવલ ભારત સરકાર હસ્તકનાં સ્કુલ એજયુકેશન મંત્રાલયનાં સચીવપદેથી નવેમ્બર 2022 માં વય નિવૃત થયા હતા. ગુજરાત અને ભારત સરકારનાં વિવિધ મહત્વનાં પદો પર કાર્યરત રહેલા અનિતા કરવલનાં વિશાળ અનુભવનો લાભ લેવા તેમને કોઈને કોઈ મહત્વના પદે નિયુકત કરાશે તે નકકી મનાતું હતું. રેરાના ચેરમેનપદે ગુજરાત કેડરનાં વયનિવૃત અન્ય આઈએસઆઈ ઓફીસરોના નામ પણ ચર્ચામાં હતા.
ગુજરાત રેરા રાજયના રીઅલ એસ્ટેટ બીઝનેસ માટે અત્યંત મહત્વની ઓથોરીટી મનાય છે. એકલા અમદાવાદ જેવા મહાનગરમાં 3239 મહત્વના પ્રોજેકટસ રજીસ્ટર થયા હતા. જેમાં કુલ આશરે 1.46 લાખ કરોડનું મૂડીરોકાણ થયેલુ છે. તેમાંથી 1582 પૂર્ણ કરાયા છે.સમગ્ર ગુજરાતમાં 12,024 પ્રોજેકટસનાં રજીસ્ટ્રેશન સામે 6062 પ્રોજેકટસ પૂરા થયેલા છે.
ગુજરાતમાં હાલ આશરે 43 ટકા જેટલી વસતી શહેરોમાં વસે છે અને આગામી દસકામાં આ ટકાવારી 50 ટકાને પાર કરશે.આવી સ્થિતિમાં ગુજરાતમાં રીયલ એસ્ટેટ અતિ મહત્વનો વ્યવસાય મનાય છે. જે દેશમાં બીજા ક્રમે આવે છે.
- Advertisement -
ગુજરાત સરકાર હસ્તકનાં શહેરી વિકાસ વિભાગ હેઠળ રેરા કાર્યરત છે અને આ વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તક જ છે અને તે વિભાગના અગ્ર સચીવપદે પણ અશ્વિનીકુમાર જેવા કાબેલ આઈએએસ ઓફીસર સેવા આપી રહ્યા છે. ત્યારે રેરાનાં ચેરમેનની ખાલી રહેલી જગ્યાએ રીયલ એસ્ટેટને મુશ્કેલ સ્થિતિમાં મુકયુ હતું.
છેલ્લે તો રેરાનાં માત્ર 2 સભ્યો કાર્યરત હતા અને તેમાંથી પણ એક નિવૃત થતા મોટી સમસ્યાનાં એંધાણ વર્તાતા હતા.રીયલ એસ્ટેટ જગત તરફથી પણ મુખ્યમંત્રી સમક્ષ ઝડપભેર રેરાનાં ચેરમેનની નિયુકિત કરવાની માંગણી ઉઠતી હતી.