ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘ગુજરાત પોલીસે એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આ મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નહીં.’
ગુજરાતમાં હાલ ડ્રગ્સનો મુદ્દો ભાર ચર્ચાસ્પદ બન્યો છે. કારણ કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ પકડાતું જ રહે છે. ત્યારે રાજ્યમાં ડ્રગ્સ નેટવર્ક અંગે રાજકારણ મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
- Advertisement -
ગુજરાત પોલીસે એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું: હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે રાજકારણને લઇ નિવેદન આપતા કહ્યું કે, ‘ગુજરાત પોલીસે એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. જેનાથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન જેવા દેશોને પણ ઝટકો લાગ્યો છે. કલકતામાં DRI સાથે મળીને 39 કિલો 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સ કોઈ સામેથી નથી મૂકી જતું, ગુજરાત પોલીસ સાહસ સાથે ડ્રગ્સ પકડે છે એટલે પકડાય છે, ગુજરાત જ નહીં અનેક રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક પોલીસે તોડ્યું છે. ગુજરાત પોલીસ કેન્દ્રની એજન્સી સાથે મળીને કામગીરી કરી રહી છે. ગુજરાત ATS એજન્સીઓ સાથે મળી પાકિસ્તાન બોર્ડર ઉપર કામગીરી કરી રહી છે.’
અમે ડ્રગ્સ પકડીએ છીએ, એટલે આંકડા જરૂરથી દેખાય છે: હર્ષ સંઘવી
- Advertisement -
વધુમાં સંઘવીએ જણાવ્યું કે, ‘ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસના સાહસને બિરદાવવાની જગ્યાએ કેટલાક લોકો ગુજરાતને બદનામ કરી રહ્યાં છે. ડ્રગ્સ પકડવા મામલે રાજકારણ કરનારા લોકોની ઓળખી તેઓને સબક શિખવાડવો જોઈએ. અમે ડ્રગ્સ પકડીએ છીએ, એટલે આંકડા જરૂરથી દેખાય છે. આ આંકડા ભલે વધે પણ અમારી મુહિમ આવી જ રીતે ચાલશે. જે રાજકારણ કરે છે તેમના રાજ્યમાં તો કંઈ કરતા નથી. હું ગુજરાત પોલીસના તમામ જવાનોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આગામી સમયમાં ડ્રગ્સ વિરોધી લડાઈ હજુ મજબૂતાઈથી લડીશું અને હજુ ડ્રગ્સના નેટવર્કને તોડીશું.’
પાકિસ્તાની ડ્રગ્સ ડિલરોને ફાયદો થાય તેવું કામ કરનારા ચેતી જાય: સંઘવી
ડ્રગ્સ મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, ‘ડ્રગ્સ જેવા મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નહીં. ડ્રગ્સની રકમ ક્યાં ઉપયોગ થાય છે એ સૌ જાણે છે. પોલીસની કામગીરી કેટલાકને પેટમાં દુ:ખે છે. પાકિસ્તાની ડ્રગ્સ ડિલરોને ફાયદો થાય તેવું કામ કરનારા ચેતી જાય. દિલ્હી પોલીસ સાથે ગુજરાત પોલીસે 1 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. પંજાબમાં જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ થતું હતું. આથી પંજાબ પોલીસને પંજાબમાં ચાલતા નેટવર્ક અંગે માહિતી અપાઈ.’
જે કોઈ પણ ડ્રગ્સની માહિતી આપે છે તેને ઈનામ મળે છે: હર્ષ સંઘવી
વધુમાં કહ્યું કે, ‘ગુજરાતને બદનામ કરવાના અલગ-અલગ પ્રયત્ન કરાયા. અમે રિવોર્ડ પોલિસી અંતર્ગત ફંડ અલગથી ફાળવ્યું છે. જે કોઈ પણ ડ્રગ્સની માહિતી આપે છે તેને ઈનામ મળે છે. ગુજરાતની ટીકા કરનારાઓ રાજ્યના રિવોર્ડ પોલિસીનો અભ્યાસ માટે કાગળો મંગાવે છે. રિવોર્ડ પોલિસી માટે અન્ય રાજ્યો વિગતો મંગાવી રહ્યાં છે. ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ માટે ખોટા આંકડાઓ અને રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. દુનિયાભરના દેશોમાં ડ્રગ્સ આજે ફેશનપેટર્ન બની ગયું છે.’
પોલીસ ગ્રેડ પે મુદ્દે કહ્યું ‘દેશમાં અત્યાર સુધીમાં આવો વધારો ક્યાંય નથી થયો’
વધુમાં હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પે મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, ‘દેશમાં અત્યાર સુધીમાં આવો વધારો ક્યાંય નથી થયો, સરકાર ગુજરાત પોલીસની સમસ્યા સમજે છે અને નિરાકરણ પણ લાવે છે, કેટલાક લોકો અમારા પોલીસ સ્ટાફને અલગ દિશામાં લઇ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે.’