-ગુજરાત વિધાનસભાને સપ્ટેમ્બર 2023 સુધીમાં પેપરલેસ કરવાની કવાયત
ગુજરાત સરકારના પેપરલેસ ઇ-ગવર્નન્સ મોડલ બાદ હવે ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ગુજરાત વિધાનસભાને સપ્ટેમ્બર સુધીમાં પેપરલેસ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર પહેલા ગુજરાત વિધાનસભા પેપરલેસ બનશે.
- Advertisement -
ગૃહમાં કરાશે ઓનલાઇન કામગીરી
વિધાનસભામાં તમામ ધારાસભ્યોના ટેબલ પર કાગળને બદલે હવે લેપટોપ અથવા ટેબલેટ મૂકવામાં આવશે.વિધાનસભામાં તમામ ધારાસભ્યોના ટેબલ પર વાયરલેસ ઇન્સ્ટ્રુમેન્ટ પણ લગાવવામાં આવશે. સાથે જ તમામ ધારાસભ્યોએ ગૃહમાં ઓનલાઈન કામગીરી કરવાની રહેશે.
એપ્લિકેશન મારફતે જ ફાઇલ કરી શકાશે પ્રશ્નો
નવા બિલ અને મેજ પર મુકવાના કાગળ ઓનલાઇન ટેબલેટ-લેપટોપ પર જ મળી રહેશે. પેપરલેસ મોડેલ થકી ગુજરાતના તમામ ધારાસભ્યો સરકારને પૂછવા માગતા હશે તો તેને એપ્લિકેશન મારફતે જ મોકલી દેવાના રહેશે અને કોઇ પત્રવ્યવહાર કરવાની માથાકૂટ રહેશે નહીં. આ સિવાય ધારાસભ્યો પ્રશ્નો પણ એપ્લિકેશન મારફતે જ ફાઇલ કરી શકશે. આ માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગને કામ સોંપવામાં આવ્યું છે. તેઓ એક સોફ્ટવેર અને એપ્લિકેશન ડેવલપ કરતી કંપનીને કોન્ટ્રાક્ટ આપશે.
શંકર ચૌધરીએ ઝડપ્યું બીડું
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાને પેપરલેસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે તેઓ વિધાનસભના અધ્યક્ષ હતા. જોકે, હવે વર્તમાન અધ્યક્ષ શંકર ચૌધરીએ આ બીડું ઝડપી લીધું છે. શંકર ચૌધરીએ જણાવ્યું છે કે, મારે વિધાનસભા ગૃહને ડિઝિટલ બનાવી પેપરલેસ કરવું છે. જે માટે કામગીરી ચાલી રહી છે.