ગુજરાત સહિત દેશભરમાં પોલિટિકલ ડોનેશન મારફત કરચોરીનાં રેકેટ પર દરોડામાં ખુલાસો
ઘટસ્ફોટ: દેશના ટોપ-10 રજિસ્ટર્ડ ગેરમાન્ય રાજકીય પક્ષોને 1581 કરોડનું ડૉનેશન મળ્યું તેમાંથી ગુજરાતની પાંચ પાર્ટીને જ 1158 કરોડ મળ્યા: ભારતીય નેશનલ જનતાદળને 576 કરોડ તથા સૌરાષ્ટ્ર જનતા પક્ષને 131 કરોડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાત સહિત દેશભરમાં 200 થી વધુ સ્થળોએ રાજકીય પક્ષોને ડોનેશનમાં ગોલમાલના મામલે આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા. જયારે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે કે ટોપ-10 રજીસ્ટર્ડ ગેરમાન્ય રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાં 73 ટકા નાણાં ગુજરાત સ્થિત આવા રાજકીય પક્ષોને મળ્યા છે.
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મનાં રિપોર્ટમાં એમ જણાવાયું છે કે, દેશ ટોપ-10 રજીસ્ટર્ડ ગેરમાન્ય રાજકીય પક્ષોને 2022-23 માં નાણાંકીય વર્ષમાં કુલ 1581 કરોડનું ડોનેશન મળ્યુ છે. તેમાંથી ગુજરાત સ્થિત આવા રાજકીય પક્ષોને જ 1158 કરોડ આપ્યા હતા. સૌથી વધુ ડોનેશન મેળવનારા આવા ટોચનાં 10 રાજકીય પક્ષોમાંથી પાંચ ગુજરાતના છે.
- Advertisement -
રજીસ્ટર્ડ ગેરમાન્ય રાજકીય પક્ષો એવી પાર્ટી છે જે નવી બનેલી હોય છે. અથવા લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓમાં ખાસ કે નોંધપાત્ર માત્રામાં મત મેળવ્યા હોતા નથી. લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ આવા પક્ષોને વ્યકિતગત તથા કોર્પોરેટ કંપનીઓમાંથી ડોનેશન મળ્યુ હોય છે. આ ડોનેશન આવકવેરા કાયદા હેઠળ કરમુકત હોય છે. ડોનેશનની રકમ રૂા.20,000 થી વધુ હોય તો આવકવેરા રિટર્નમાં દર્શાવવાની હોય છે.
રીપોર્ટમાં એમ સુચવાયું છે કે, 2022 થી 2024 દરમ્યાન દેશભરમાં આવા 3260 રાજકીય પક્ષોને ડોનેશન પેટે રૂા.10,000 કરોડથી વધુ મળ્યા હતા. ચૂંટણી પંચે રીપોર્ટમાં એમ કહ્યું હતું કે 2013 થી 2016 ના વર્ષોમાં માત્ર પાંચ ટકા આવા પક્ષોએ ડોનેશનની વિગતો આપી હતી. બાકીના પક્ષો નિયમોની ઐસી તૈસી જ કરી રહ્યા છે.
ગુજરાતમાં આવા પક્ષોની સંખ્યા 95 ની છે તેમાંથી 36 ના પાર્ટી નિવેદન મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર મૌજુદ છે. 95 માંથી માત્ર 29 ના જ ઓડીટ રીપોર્ટ મૌજુદ છે. જોકે ગુજરાતમાં 30.5 ટકા આવા પક્ષોએ ઓડીટ રિપોર્ટ જમા કરાવ્યા છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે.દિલ્હીમાં માત્ર 21.7 ટકા તથા બિહારનાં 18.5 ટકા આવા પક્ષોએ જ ઓડીટ રિપોર્ટ જમા કરાવેલા છે.
ગુજરાતનાં રજીસ્ટર્ડ ગેરમાન્ય રાજકીય પક્ષોને 1158 કરોડનું ડોનેશન મળ્યું તેમાંથી 576 કરોડ એકમાત્ર ભારતીય નેશનલ જનતા દળને જ મળ્યુ હતું. સૌરાષ્ટ્ર જનતા પક્ષને 131 કરોડનું ડોનેશન મળ્યુ હતું.
રસપ્રદ વાત એ છે કે, આગલા બે વર્ષમાં પાર્ટીનાં ડોનેશન પેટે એક રૂપિયો પણ મળ્યો ન હતો. એડીઆરનાં રીપોર્ટમાં એવુ નોંધવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય રાજકીય પક્ષોને રૂા.20,000 થી વધુનુ મોટુ ડોનેશન આપનારા દાતાઓની ટકાવારી માત્ર 33 ટકા જ હોય છે. જયારે ગેરમાન્ય રાજકીય પક્ષોનું 93 ટકા ડોનેશન મોટી રકમનું જ હતું. પ્રાદેશીક પક્ષો કરતા પણ તેમને વધુ મોટુ ડોનેશન મળ્યુ હતું.