મેડિકલ રિપોર્ટના આધારે એબોર્શનની મંજૂરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
સુરતની દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે રાહત આપી છે. સુરતની મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કોર્ટમાં કરેલી અરજીને કોર્ટે મંજૂર કરી છે. પીડિતાની ઉંમર 23 વર્ષ છે અને હાલ તેને 26 અઠવાડિયાનો ગર્ભ હોવાની રજૂઆત કરાઈ હતી. પીડિતા માનસિક અસ્થિર અને પિતાની માનસિક સ્થિતિ સારી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો હતો. અરજીમાં એ વાત પણ કરાઈ હતી કે પીડિતા કે તેનો પરિવાર બાળકની જવાબદારી લઈ શકે તેમ નથી, માટે ગર્ભપાતની મજૂરી આપવા આવે. આ મામલે મેડિકલ તપાસના રિપોર્ટ બાદ હાઇકોર્ટ તરફથી ગર્ભપાતની મંજૂરી અપાઈ છે. પીડિતા પર તેના પિતાના મિત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. મિત્રની દીકરીને પીંખનાર આરોપી હાલ જેલ હવાલે છે. 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતને મંજૂરી આપવાનો ગુજરાત હાઇકોર્ટનો આ પ્રથમ નિર્ણય છે.
- Advertisement -
યુવતીના પિતા માનસિક અસ્વસ્થ
વકીલના જણાવ્યા પ્રમાણે યુવતીના પિતા પણ માનસિક અસ્વસ્થ અને યુવતી પ્રેગ્નન્સીનું વહન કરવાની સ્થિતિમાં નથી, એક્ઝામિનેશન કર્યા બાદ ડોક્ટરે કહ્યું હતું કે, યુવતી સ્ટેબલ માઇન્ડમાં નથી. આમ જે વ્યક્તિ પોતાનું ધ્યાન રાખી શકતી નથી તે બાળકનું ધ્યાન કેવી રીતે રાખશે?
20 સપ્તાહ સુધીના ગર્ભપાતની જ મંજૂરી
મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી એક્ટ અંતર્ગત 20 સપ્તાહ સુધીના ગર્ભપાતની જ મંજૂરી છે. આ સ્પેશિયલ કેસમા ગુજરાત હાઇકોર્ટની મંજૂરી માગવામાં આવી છે. જેમાં હાઈકોર્ટે મેડિકલ રિપોર્ટ બાદ અરજી મંજુર રાખી હતી.
શું છે સમગ્ર બનાવ?
સુરતના પાલ આભૂષણ રેસિડેન્સીમાં રહેતા નવીન દામજીભાઈ ડાવરાએ મિત્રની જ મનોદિવ્યાંગ દીકરી પર દાનત બગાડી હતી. મિત્રતામાં અવારનવાર ઘરે આવતા નવીને એકલતાનો લાભ લઈ મિત્રની 23 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, આ ઘટના બાદ જમવાનું લેવાની લાલચ આપી પ્રાઈમ આર્કેડની પાછળ ગાર્ડનમાં લઈ જઈ ત્યાં પણ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.