સાગઠિયા જેવાં સાહેબોને નાથવા કાલે લવાશે વિધેયક: નજીકના સગા-વ્હાલાઓના નામે મિલકતો ખરીદી હશે તો પણ જપ્ત થઈ શકશે
સ્પેશિયલ કોર્ટમાં ચાલશે કેસ: SP કક્ષાના અધિકારીઓ જ કરશે તપાસ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.22
રાજકોટના TRP સાગઠિયાના પરાક્રમો ખૂલ્યા બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે. ગુજરાતમાં એક બાદ એક અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદો વધી રહી છે. આ અધિકારીઓમાંથી અનેક સામે મુખ્યમંત્રીની સીધી નજર હેઠળ પગલાં પણ લેવામાં આવ્યાં છે. અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. ત્યાર ભ્રષ્ટ અધિકારીઓ અને બાબુઓ પર લગામ લગાવવા માટે સરકાર હવે વિધાનસભામાં લાવી રહી છે સ્પેશિયલ બિલ. ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની હવે ખેર નથી. સરકાર ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ચોમાસુ સત્રના ત્રીજા અને અંતિમ દિવસે ગુજરાત સરકાર લાવશે આ સ્પેશિયલ વિધેયક. નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં ચાલશે કેસ. ભ્રષ્ટાચારીઓ સામે નવા કાયદા અંતર્ગત લેવાશે પગલા. એટલું જ નહીં આ પ્રકારના કેસોમાં એસપી કક્ષાના અધિકારીઓને આખા કેસની તપાસ સોંપવામાં આવશે.
- Advertisement -
હાલ ચાલી રહેલાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર રજૂ કરશે સુધારા વિધેયક. જે અંતર્ગત અઈઇ એટલેકે, એન્ટી કરપ્શન બ્યૂરોને ફ્રી હેન્ડ અપાય તેવી શક્યતા છે. આ નવા કાયદા અંતર્ગત ગુજરાત સરકાર ભ્રષ્ટ બાબુઓની મિલકત જપ્તી સુધીનાં કડક પગલાં લેશે. જો ભ્રષ્ટાચારી બાબુઓએ તેના અન્ય કોઈ નજીકના નામે પોપર્ટી ખરીદી હશે તો નવા કાયદા હેઠળ આવી પ્રોપર્ટી જપ્ત કરી શકાશે. એટલું જ નહીં અન્ય વ્યક્તિ ના નામે રહેલી પ્રોપર્ટીના માલિકને પણ નોટીસ બજાવી તપાસ હેઠળ લાવી શકાશે. પૂર્વ એડિશનલ સેશન્સ જજથી નીચે ન આવતા હોય તેવા વ્યક્તિને ઓથોરાઈઝ ઓફિસર તરીકે નિમણુંક અપાશે. જેમાં ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાજ્ય સરકાર હસ્તક કરવાના રહેશે.
કોંગ્રેસના તમામ સભ્યો એક દિવસ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ
વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. વિપક્ષના પ્રશ્ર્નો ગૃહમાં દાખલ ન થતા હોવાની માગ સાથે માથાકૂટ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. વિપક્ષના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે ઋષિકેશ પટેલે ગૃહમાં દરખાસ્ત મૂકી હતી અને આ દરખાસ્તને બહુમતી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે મત આપ્યો હતો. દરખાસ્ત બાદ બહુમતીને આધારે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લીધો હતો.