GSTના દરોનું તાર્કિકીકર GST આવકમાં અસર થશે
ટુ-વ્હીલર્સ તથા નાની કારોનુ વેચાણ વધશે તો GSTમાં થનારૂ નુકસાન ભરપાઇ થઇ શકે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેન્દ્ર સરકારે તાજેતરમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટીમાં કરેલા સુધારાને કારણે ગુજરાત સરકારને 2025-26ના વર્તમાન નાણાકીય વર્ષમાં જીએસટીની આવકમાં અંદાજે રૂ. 5 હજાર કરોડનો ફટકો પડવાની ગણતરી છે. ઉચ્ચ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જીએસટીના દરોનું તાર્કિકીકરણ કરવાને લીધે કેન્દ્ર સરકારે તેની જીએસટીની વાર્ષિક આવકમાં રૂ.40 હજાર કરોડના નુકસાનનો અંદાજ બાંધ્યો છે અને ગુજરાત રાજ્યને આ નુકસાન એસજીએસટી તથા સીજીએસટી સાથે ગણતાં આશરે રૂ. પાંચ હજાર કરોડ થવાની ધારણા છે.
રાજ્યને જીએસટી આવક 2024- 25માં રૂ.1,39,748 કરોડ થઇ હતી, જે આગળના 2023-24ના વર્ષની આવક કરતાં રૂ.11,579 કરોડ વધુ હતી. 350 સીસીથી ઓછી ક્ષમતાના ટુ-વ્હીલર્સમાં તથા 1500 સીસીથી ઓછી ક્ષમતાની મોટરકાર્સમાં જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો છે તથા સેસ નાબૂદ કરાયો છે. આને કારણે જીએસટી કલેકશનમાં દેખીતી રીતે તો નુકસાન થઈ રહ્યું છે. પરંતુ આ જીએસટી ઘટાડાને ટુ-વ્હીલર્સ તથા નાની મોટરકારોનુ વેચાણ મોટાપાયે વધી રહ્યું હોવાના અહેવાલ છે. જો આ વેચાણ વર્ષાન્તે વધશે તો જીએસટીમાં થનારું નુકસાન સરભર થવાની ગણતરી નકારી શકાતી નથી જ્યારે અન્ય જે ચીજવસ્તુઓ તથા સેવાઓ ઉપરનો જીએસટી રેટ ઘટાડીને 5 ટકા કે 18 ટકા કરાયો છે તેમાં રાજયને નુકસાન થવાનો અંદાજ છે.
- Advertisement -
કેટલાક રાજ્યો આ જીએસટીના દરોના તાર્કિકીકરણને લીધે એમના રાજ્યોને થનારા નુકસાન સામે કેન્દ્ર સરકાર પાસેથી વળતર માગી રહ્યા છે, ત્યારે શું ગુજરાત સરકારે તેને થનારા સંભવિત નુકસાન સામે કોઈ પેકેજની માગણી કરી છે કે કેમ તેવી પૃચ્છાનો પ્રત્યુત્તર આ સૂત્રોએ નકારમાં આપ્યો હતો. આ સૂત્રોએ એવી પણ જાણકારી આપી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ભારત તરફથી યુએસમાં થતી તમામ ચીજોની નિકાસ ઉપર 50 ટકાને જબરજસ્ત ટેરિફ લાદ્યો છે. જેને કારણે ગુજરાતના હીરા ઉદ્યોગ, ટેક્સ્ટાઇલ ઉદ્યોગ તથા એન્જિનિયરિંગ ગુડ્ઝ ઉદ્યોગને મોટો ફટકો પડશે, જે નુકસાનની રકમની ગણતરી હજી થઈ રહી છે.